કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા ગુજરાતમાં ઝડપથી વધી રહી છે. અમદાવાદ કોરોના હોટસ્પોટ બની રહ્યું છે. ગુરૂવારે રાજ્યમાં 55 નવા કેસ સામે આવ્યા હતા, જેમાંથી 50 કેસ અમદાવાદના હતા. જ્યારે શુક્રવારે રાજ્યમાં કોરોના વાયરસના 46 નવા કેસ આવ્યા હતા. તેમાંથી 11 કેસ અમદાવાદના હતા. ગુજરાતમાં અત્યાર સુધી 308 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 153 કેસ અમદાવાદના છે. અમદાવાદ, સુરત, ભાવનગર અને વડોદરાના ઘણા હોટસ્પોટ વિસ્તારો સીલ કરવામાં આવ્યા છે.
ડો જયંતિ રવિએ જણાવ્યું હતું કે ચાર લોકો સાજા થઇને ઘરે પરત ફર્યા છે અને જ્યારે બે લોકોના મોત થયા છે. એક 40 વર્ષના અમદાવાદના પુરુષનું મૃત્યુ થયું છે તો ગાંધીનગરના 81 વર્ષના વૃદ્ધનું મોત નિપજ્યું છે. દરરોજના 1000 કેસ ટેસ્ટિંગ કરવાનું પ્લાનિંગ રાજ્યનું આરોગ્ય વિભાગ કરી રહ્યું છે. કુલ 978 ટેસ્ટ કર્યા હતા એટલા જ 67 પોઝિટિવ આવ્યા છે.