મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વાવાઝોડાથી અસરગ્રસ્ત એવા પઢીયારકા ગામે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ ગ્રામજનો સાથે આત્મીય સંવેદના દાખવી સંવાદ કરતાં જણાવ્યું હતું કે કુદરતી હોનારતના પગલે થયેલા નુકસાન અંગે કોઇ ચિંતા કરવાની જરૂર નથી કોઈ પણ આપદા કે વિપરિત પરિસ્થિતિમાં રાજ્ય સરકાર તમારી સાથે જ છે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના દરિયા કાંઠા વિસ્તારમાં 'તાઉ તે' વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારો પૈકીના ભાવનગર જિલ્લાના પઢીયારકા ગામે વાવાઝોડાએ સર્જેલી પરિસ્થતિનો ક્યાસ કાઢવા અને નુકસાની અંગે જાત માહિતી મેળવી ગ્રામજનોની વિતક સાંભળવા આ અસરગ્રસ્ત ગામોની પ્રત્યક્ષ મુલાકાતનો ઉપક્રમ શરુ કર્યો છે. તેના ભાગરૂપે મુખ્યમંત્રીએ આજે ભાવનગર જિલ્લાની પણ મુલાકાત લીધી હતી.
ગઈકાલે અમરેલી ના જાફરાબાદ રાજુલા અને ગીર સોમનાથ ના ઉના તાલુકાનાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત મુખ્યમંત્રીએ લીધી હતી. મુખ્યમંત્રી આજે ભાવનગરના મહુવા તાલુકાના પઢીયારકા ગામે પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત ગ્રામજનો સાથે સંવાદ સાધી તેમના મકાનો માલમિલકત વગેરેના નુકસાનની વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રીએ પઢીયારકા ગામના સરપંચ રેખાબેન બારીયા ઉપસરપંચ આણંદભાઈ મકવાણા તેમજ પંચાયતના સભ્યો સાથે ગામમાં થયેલા નુકસાનની ઝીણામાં ઝીણી વિગતો મેળવી તંત્રને તાત્કાલીક સર્વે અને સહાય કરવા સૂચનાઓ આપી હતી મુખ્યમંત્રી ગામના સરપંચ પાસેથી થયેલા નુકસાનની વિગતો મેળવી સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા ઘરોની રજેરજની જાણકારી મેળવી હતી.
મુખ્યમંત્રીએ એક આત્મીયજન ની જેમ ગામના લોકો સાથે વાવાઝોડા દરમિયાન સૌ ક્યાં હતા ? કેવી પરિસ્થિતિ સર્જાઇ હતી ? અને શું પગલાં લીધા ? તેની ઝીણામાં ઝીણી વિગતો પણ મેળવી હતી. મુખ્યમંત્રીએ ગ્રામજનોને આ મુશ્કેલ પરિસ્થિતિમાં કોઈપણ બાબતની ચિંતા ન કરવા હૈયા ધારણ આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મહુવા તાલુકાના અંતરિયાળ એવા આ ગામમાં ૨૦ જેટલા ઘરોને નાનું મોટું નુકસાન થયું છે અને વીજળીના થાંભલા પણ ધરાશાયી થયા છે મુખ્યમંત્રીએ સત્વરે ગ્રામજનો માટે શક્ય એટલી તમામ સુવિધા ઉપલબ્ધ કરી વીજ પુરવઠો પૂર્વવત કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની આ મુલાકાત બાદ ઉચ્ચ અધિકારીઓ સાથે મહુવા માં બેઠક યોજી સ્થિતિનું વિગત વાર આકલન પણ કર્યું હતું.