ગાોધરામાં NEET કૌભાંડ મામલે CBIની તપાસ તેજ કરાઈ છે. ત્યારે આજે પાંચમાં દિવસે સીબીઆઇ દ્વારા 4 આરોપીઓના રિમાન્ડ માંગવામાં આવ્યા છે. જેને લઈ આજે રિમાન્ડ અરજી પર ગોધરા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. હાલ 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
ગોધરા શહેરમાં જય જલારામ સ્કૂલમાં બહુચર્ચિત નીટની પરીક્ષાને લઈને ગોધરા શહેરના સર્કિટ હાઉસ ખાતે સીબીઆઇ દ્વારા 16 વિદ્યાર્થીઓ પૈકી ગુજરાતના 6 વિદ્યાર્થીઓના નિવેદન સાથે વાલીઓ અને આ કેસના સાક્ષીઓ તેમજ ઝડપાયેલા આરોપીઓ સાથે સંપર્કમાં આવેલા અન્ય ઇસમો અને જય જલારામ સ્કૂલના માલિક દીક્ષિત પટેલની મોડી રાત સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ વાલીઓ અને જય જલારામ સ્કૂલના માલિકને પરત મોકલવામાં આવ્યા હતા. ત્યારે સીબીઆઇ દ્વારા 4 આરોપીઓના રિમાન્ડ માટે અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી માટે આજરોજ ગોધરાના સબજેલમાંથી ગોધરા કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા.
ગોધરાના નીટ પરીક્ષા પાસ કરાવવાના કૌભાંડમાં ઝડપાયેલા પાંચ આરોપીઓ હાલ ગોધરા સબ જેલમાં કેદ છે. આ પૈકીના ચાર આરોપીઓને વધુ પુછપરછો માટે સી.બી.આઇ ટીમ દ્વારા ગુજરાત સ્થિત સેસન્સ અદાલત સમક્ષ વધુ રિમાન્ડની માગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં આજરોજ ચારેય આરોપીઓને સબજેલમાંથી ગોધરા કોર્ટ ખાતે પોલીસ બંદોબસ્ત સાથે મોકલવામાં આવ્યા હતા.