ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે પધાર્યા હતા ત્યારે ભાજપા પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ', ગાંધીનગર ખાતે તેમનું પરંપરાગત નૃત્ય, ઢોલ-નગારાના નાદ તેમજ 'ભારત માતા કી જય' ના નારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષજે.પી.નડ્ડાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપા કાર્યાલય ખાતે પ્રદેશ બેઠક યોજાઈ હતી. બેઠક શરૂ થયા પૂર્વે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનું પુષ્પગુચ્છ, પુસ્તક આપી, શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.
આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષજી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપાના રાષ્ટ્રીય સહ-સંગઠન મહામંત્રી વી.સતીષજી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા ડો. ભારતીબેન શિયાળ, ગુજરાતના સહ પ્રભારી સુધીર ગુપ્તા, રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ હોદ્દેદારો/અગ્રણીઓ, સંસદસભ્યો, જિલ્લા ભાજપા પ્રમુખો તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભાજપાના ઉત્થાનનું ઉદગમસ્થાન ગુજરાત છે, સંગઠનની રીતી-નીતિ અને કાર્યશૈલી અને સરકારની ઉત્કૃષ્ટ કામગીરીના સમન્વયનું જીવંત ઉદાહરણ ગુજરાત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૯૮૯માં દિલ્હીમાં સંગઠનનું કાર્ય કરતા ત્યારથી તેમની સાથે કામ કરવાનો અવસર મળ્યો છે. આજે અનેક ઉતાર-ચઢાવ બાદ પરિશ્રમની પરાકાષ્ઠાના ફળસ્વરૂપે ભાજપા વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે. 24 કલાક 365 દિવસ જનતાની પડખે ચોકીદારની જેમ ઉભું રહેવું એ આપણા સૌની જવાબદારી છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં શરૂ થયેલી ગુજરાતની વિકાસયાત્રા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં સતત આગળ વધી રહી છે. જનતાનો ભાજપા સરકારની કામગીરીનો વિશ્વાસ ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.
જે.પી.નડ્ડાએ વૈશ્વિક મહામારી કોરોનાના સંદર્ભે જણાવ્યું હતું કે, ગત વર્ષ સમગ્ર વિશ્વ માટે 'યર ઓફ ક્રાઇસીસ' રહ્યું, અમેરિકા બ્રિટન યુરોપના અન્ય દેશો, વિશ્વના અનેક શક્તિશાળી દેશો લડખડાઈ ગયા, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે મજબૂતાઈથી પરિસ્થિતિનો સામનો કર્યો અને આપત્તિને આશીર્વાદમાં પરિવર્તિત કરી. આત્મનિર્ભર ભારતના નિર્માણની પરિકલ્પના કોરોનાકાળમાં જ વધુ મજબૂત બની. કોરોના મહામારીકાળમાં પ્રધાનમંત્રીએ મજબૂત નિર્ણાયકશક્તિ સાથે જે સુજબુઝ ભર્યા નિર્ણયો લીધા તેની પ્રશંસા વિશ્વ આરોગ્ય સંસ્થા સહિત વિશ્વના અનેક દેશોએ કરી છે.
130 કરોડની વસ્તી ધરાવતા આપણા દેશમાં વૈશ્વિક મહામારી કોરોના સામેની લડત મજબૂતાઈ અને મક્કમતાથી સકારાત્મકતા સાથેના સફળ પ્રયાસો કરી લડવી એ કોઈ સાધારણ બાબત નથી. કોરોના સામેની લડાઈમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે તે વાતનો મને આનંદ છે. વિશ્વભરના દેશો વેકસીન બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે દેશની બે સ્વદેશી વેકસીનને મંજૂરી મળી છે તે આનંદની વાત છે.
આજે મને ગુજરાત સહિત દેશના પ્રત્યેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પર ગર્વ છે, દેશમાં લોકડાઉન લાગુ થવાની સાથે સાથે દેશની ઘણી રાજકીય પાર્ટીઓ પણ લોકડાઉન થઈ ગઈ, ફક્ત ભાજપાના કાર્યકર્તાઓએ જન સામાન્યની સેવામાં કમર કસીને 'સેવા હી સંગઠન,ના ભાવ સાથે દિવસ-રાત સેવાયજ્ઞ કર્યો.
દુર્ભાગ્યપૂર્ણ છે કે, આજે રાજકીય વિરોધીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિરોધ કરતા કરતા દેશનો વિરોધ કરવા લાગ્યા છે. દેશની જનતાને ભાજપાના સબળ નેતૃત્વ પર વિશ્વાસ છે એટલા માટે જ કોરોના કાળમાં પણ દેશભરમાં યોજાઇ રહેલી ચૂંટણીઓમાં દેશની જનતા ભાજપાને ભવ્ય વિજય અપાવી રહી છે. કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદની પ્રથમ ચૂંટણીમાં ભાજપાને જનતાએ સૌથી વધુ બેઠકો આપી છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે બીડું ઉપાડેલ રાજ્યભરની પેજ કમિટીના કાર્યને વધુ વેગ આપી ઝડપથી પૂર્ણ કરવા માટે આહવાન કરતાં નડ્ડાએ જણાવ્યું હતું કે, પેજસમિતિ એ ચૂંટણીમાં સફળતા મેળવવાનો રસ્તો છે. વિધાનસભાની પેટાચૂંટણીમાં ભૂતકાળમાં આઠે આઠ કોંગ્રેસની રહેલી વિધાનસભા બેઠકો પર ભાજપાને ભવ્ય વિજય અપાવવા બદલ હું ગુજરાત ભાજપાના પ્રદેશ નેતૃત્વ અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું અને આ જ પ્રમાણેના લેન્ડસ્લાઈડ વિજયના ચૂંટણી પરિણામો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ મળે તે માટે ભાજપાના પ્રત્યેક કાર્યકર્તાને શુભેચ્છાઓ આપું છું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં દેશભરમાં યોજાયેલી વિવિધ ચૂંટણીઓમાં જેમના માર્ગદર્શનથી ભાજપાને ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે તેવા ભાજપાના યશસ્વી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનું સમગ્ર ગુજરાતની જનતા વતી હાર્દિક સ્વાગત કરું છું. ટૂંક સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે આજે જે.પી.નડ્ડાના આગમનથી ભાજપાના કાર્યકર્તાઓમાં ભાજપાના વિજયને વધુ ભવ્ય બનાવવા નવો આત્મવિશ્વાસ ફૂંકાયો છે.
એક તરફ ભાજપ પાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહનું સબળ નેતૃત્વ છે તો બીજી તરફ કોંગ્રેસ નેતૃત્વવીહીન છે ડૂબતું નાવ છે, કોંગ્રેસમાં બધું અસ્તવ્યસ્ત છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અતિ મહત્વની છે, આ ચૂંટણીઓ બાદ દૂરબીનથી શોધીએ તો પણ ન જડે તે પ્રકારની સ્થિતિ કોંગ્રેસની થવાની છે. ભાજપના કાર્યકર્તાઓના નિષ્ઠાપૂર્વકના અથાક પરિશ્રમ અને સરકારની પ્રજાલક્ષી કામગીરીના ફળ સ્વરૂપે ભાજપનો વિજય નિશ્ચિત છે.
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત હંમેશા દેશનું રોલમોડલ રહયું છે. ભૂતકાળમાં ગુજરાતની ધરતીના બે પનોતા પુત્રો મહાત્મા ગાંધી અને સરદાર પટેલે દેશને સ્વરાજ્ય અપાવ્યું અને આજે આજે ગુજરાતના બે સપૂતો દેશને સુરાજ્ય તરફ આગળ લઈ જઈ રહ્યા છે. દેશમાં ભાજપાનાં નેતૃત્વમાં મૂલ્યનિષ્ઠ રાજનીતિનો ઉદય થઈ રહ્યો છે, વૈચારિક લડાઈ સાથે આપણા પૂર્વજોએ કરેલા ત્યાગ, તપસ્યા અને બલિદાન એળે ન જાય, આદર્શ ભારતનું નિર્માણ થાય, ભારતમાતા જગતજનની બને તે દિશામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્ય કરી રહ્યા છે.
રાજ્યમાં ભાજપાની સરકાર દ્વારા ખેડૂતો, મહિલાઓ, યુવાનો, આદિવાસીઓ એમ તમામ વર્ગ માટે અનેક યોજનાઓ અમલમાં છે, શાંત, સલામત અને સમૃદ્ધ ગુજરાત માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યના તમામ ગામમાં ખેડૂતોને રાતની જગ્યા એ દિવસે વીજળી આપવાની મહત્વકાંક્ષી કિસાન સૂર્યોદય યોજનાનો પણ રાજ્યમાં અમલ શરૂ થઇ ચૂક્યો છે. ભાજપની સરકારમાં ગુજરાત 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ' ની સાથે સાથે 'ઈઝ ઓફ લિવિંગ'ની બાબતમાં પણ અગ્રેસર થઈ રહ્યું છે.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ગુજરાત ભાજપના પ્રત્યેક કાર્યકર્તા વતી ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે, રાજ્યમાં ભાજપાના મજબૂત સંગઠનની તાકાત અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી કામગીરીથી આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજયની ભેટ ગુજરાત ભાજપા જે.પી.નડ્ડા ને અર્પણ કરશે.
આઠે આઠ કોંગ્રેસની બેઠકો જીતાડીને ભાજપના કાર્યકર્તાઓએ પોતાની તાકાતનો પરચો આપી દીધો છે, નાગરિકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રત્યે વિશ્વાસની લાગણી છે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાકાળમાં કરેલી સફળ કામગીરી પણ જનતાએ પ્રત્યક્ષ નિહાળી છે.
સીઆર પાટીલે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં ભાજપાના કાર્યકર્તાઓ ઘર ઘર સંપર્ક કરીને ફોટો સાથેની પેજસમિતિના કાર્યને પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યા છે. પેજસમિતિના સભ્યોની તાકાતથી મતદારયાદીના પ્રત્યેક પેજ પર વિજય મેળવી બુથ જીતવાથી કોઈ પણ ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત થઈ શકે છે. ભાજપના સિનિયર નેતાઓ, રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યઓએ પણ તેમની પેજ સમિતિનું કાર્ય પૂર્ણ કર્યું છે તે બદલ હું સૌને આભાર સહ અભિનંદન પાઠવું છું.
રાજ્યના ડોક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ, શિક્ષકો સહિતના બુદ્ધિજીવી વર્ગના નાગરિકોએ પણ પેજ સમિતિના સભ્ય બનીને આ અભિયાનને સમર્થન આપ્યું છે, તે આનંદનનો વિષય છે. વિકાસના મોડેલ સ્ટેટ બાદ હવે સંગઠનની દ્રષ્ટિએ પણ ગુજરાતનું સંગઠન દેશમાં શ્રેષ્ઠ બને, મોડેલ બને તે દિશામાં સૌને સાથે રાખીને ગુજરાત ભાજપા આગળ વધી રહ્યું છે.
રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષજીએ બેઠકમાં ઉપસ્થિત સૌને વિવિધ મુદ્દે સંગઠનાત્મક વિષયો ઉપર તેમજ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને ઉંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કોરોનાકાળમાં પણ જનતાની પડખે રહી ઉત્તમ કામગીરી કરવા બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને અભિનંદન પાઠવ્યા હતા.
ફેમ ઇન્ડિયા મેગેઝીન અને એશિયા પોસ્ટ એજન્સી દ્વારા દેશભરના સાંસદોમાંથી શ્રેષ્ઠતમ કામગીરી કરતા 25 સાંસદોની પસંદગી માટે વિવિધ માપદંડોથી કરેલા સંયુક્ત સર્વેમાં દેશના સૌથી પ્રભાવશાળી સાંસદ તરીકે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના લોકપ્રિય સાંસદ સી.આર.પાટીલની પસંદગી થવા બદલ આજની બેઠકમાં ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની વિશેષ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પુષ્પગુચ્છ આપી અને શાલ ઓઢાડી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું સન્માન કર્યું હતું. કોરોના મહામારીકાળ દરમિયાન રાજ્યની ભાજપા સરકાર દ્વારા કરાયેલી કામગીરી અને કિસાન સૂર્યોદય યોજના અંગેનું પ્રેઝન્ટેશન બેઠકમાં ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.