ગુજરાત વિધાનસભામાં આજે સામાજિક ન્યાય અને અધિકાર મુદ્દે ચર્ચાઓ શરૂ થઈ હતી. આ દરમિયાન ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે નિવેદન આપતાં કહ્યું હતું કે, રાજ્યમાં બક્ષીપંચ મંત્રાલય અલગ રીતે બનાવવામાં આવે તેવી લાગણી છે. બક્ષીપંચના નિગમ માટે 166 કરોડની ફાળવણી કરવામાં આવે છે તેમાં વધારો કરીને એક હજાર કરોડ કરવામાં આવે. તે ઉપરાંત તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં 10 ટકા અનામતનો મુદ્દો ઉઠ્યો પછી ઝવેરી કમિશનની રચના કરવામાં આવી છે. આ પંચનો રીપોર્ટ પણ ગૃહમાં મુકવામાં આવે તેવી મારી માંગ છે.
સાત હજાર ગ્રામ પંચાયતોમાં વહિવટદારો મુકાયા
આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ કહ્યું હતું કે, ગુજરાતમાં 2022માં આયોગની રચના કરવામાં આવી હતી. રાજ્યનાં ઓબીસી સમાજ 52 ટકા છે. 90 દિવસમાં રિપોર્ટ સબમીટ ના થયો અને મુદ્દત વધારવામાં આવી હતી. 12મી માર્ચે આયોગની મુદ્દત પૂર્ણ થઈ અને રિપોર્ટ પૂર્ણ કરીને સરકારને સોંપાયો નથી. આ બાબતે સરકારની મનછા સારી હોય તેવું લાગતું નથી. સાત હજાર ગ્રામ પંચાયતોમાં વહિવટદારો મુકવામાં આવ્યાં છે. ઓબીસી સમુદાયનું રાજકિય અસ્તિત્વ ખતમ કરવા માટેનું આ ષડયંત્ર છે અને સરકાર ચૂપ છે.
1.89 લાખ દલિત પરિવારો પર અત્યાચાર થઈ રહ્યાં છે
બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સામાજિક ન્યાય મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે ગૃહમા નિવેદન આપતાં કહ્યું હતું કે, બે સફાઈ કામદારોના મોત થયાં છે. મોડાસામાં પિડિતની લાશ રઝળી રહી છે. રાજ્યના મંત્રીના વિધાનસભા વિસ્તારમાં મોત થયાં છે તેમાં પણ સહાય આપીને છટકી જાય છે. રાજકોટના ગોંડલમાં એટ્રોસિટી કેસમાં સમાધાન મુદ્દો હૂમલો કરવામાં આવ્યો. સરકારે ઓન રેકોર્ડમાં કબૂલાત કરી કે એક પણ બેઠક થઈ નથી. ઉનાકાંડના પીડિતોને હજી સુધી ન્યાય મળ્યો નથી. આભડછેટ મુદ્દે હજી કોઈ અભિયાન શરૂ કરાયુ નથી. રાજ્યમાં 1.89 લાખ દલિત પરિવારો પર અત્યાચાર થઈ રહ્યાં છે. દલિત, આદિવાસી અને ઓબીસીના મુદ્દે બજેટ ફળવાતુ નથી. પાટીદાર આંદોલન સમયે થયેલા કેસો પાછા ખેંચાય પણ દલિત અને ઓબીસી આંદોલનના કેસો પાછા ખેંચાયા નથી.