ભારતીય જનતા પાર્ટી(BJP)ના કલ્ચરમાં મોટો ફેરફાર દેખાઈ રહ્યો છે. સુરતના સરસાણા કન્વેન્શન હોલ ખાતે કરવામાં આવેલું પ્રદેશ કારોબારીનું ભવ્ય આયોજન સૌકોઈ માટે ચર્ચાનો વિષય બન્યો છે. પ્રદેશ કારોબારીમાં 1000 કરતાં પણ વધુ અપેક્ષિત હોદ્દેદારો હાજર રહ્યા છે. પ્રદેશ કારોબારીનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. એસી હોલમાં દરેક હોદ્દેદાર માટે અલગ ટેબલ રખાયાં છે, જેના ઉપર કાજુ-બદામની સાથે સોફ્ટ ડ્રિંકની બોટલ પણ રાખવામાં આવી છે.
કોઈ મોટી કોર્પોરેટ કંપનીની એન્યુઅલ જનરલ મીટિંગ મળતી હોય ત્યારે જે પ્રકારની વ્યવસ્થા સામાન્ય રીતે આપણે જોતા હોઈએ એ પ્રકારની વ્યવસ્થા દરેક ટેબલ ઉપર જોવા મળી છે. દરેક ટેબલ પર આશ્ચર્યજનક રીતે અને સૌનું ધ્યાન આકર્ષી રહે છે એવા સૂકા મેવા છે. કાજુ, બદામ, કિસમિસ, ચોકલેટ અને ચણાના દાણા દરેકના ટેબલ ઉપર મૂકવામાં આવ્યાં છે. એક ટેબલ પર 400થી 500 ગ્રામ જેટલું ડ્રાયફ્રૂટ મૂકવામાં આવ્યું છે. એને લઈને પોતે હોદ્દેદારો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. દરેક ટેબલ પર ત્રણથી ચાર જેટલી સોફ્ટ ડ્રિંકની બોટલો પણ મૂકવામાં આવી છે.