એકતરફ ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી પાકિસ્તાની ત્રાસવાદીઓ અને તાલીમબદ્ધ કમાન્ડોઝ ગુજરાતમાં ઘુસી જવાની પેરવી કરી રહ્યા છે અને અરબી સમુદ્રના આ અત્યંત સંવેદનશીલ જળ વિસ્તારમાંથી છાશવારે ત્યજી દેવાયેલી હાલતમાં પાકિસ્તાની ફિશિંગ બોટ મળી આવી રહી છે ત્યારે પાકિસ્તાન દ્વારા આ અત્યંત સંવેદનશીલ હરામીનાળાથી માત્ર 10 કિલોમીટર દૂર ચીનને 95 વર્ગ કિલોમીટર જમીન લીઝ પર આપતાં કચ્છ સીમાએ નવું પરિમાણ ઉભું થવા પામ્યું છે.ઉલ્લેખનીય છે કે,આ અગાઉ પાકિસ્તાને તેનું કરાચી નજીકનું ગ્વાદર બંદર ચીનને સોંપ્યું હતું અને હાલે આ બંદર પર પાકિસ્તાન અને ચીન દ્વારા એક નાવલ-બેઝ ઉભો કરાયો છે જેનું સંપૂર્ણ ઓપરેશન ચીન દ્વારા સંપાદિત કરી લેવાયું છે. હરામીનાળા પાસે ચીનને લીઝ પર 95 વર્ગ કિલોમીટર જમીન પાકિસ્તાન દ્વારા સોંપી દેવાયા બાદ આ સ્થળે એક ચાઈનીઝ કંપની દ્વારા નિર્માણ કાર્ય પણ શરૂ કરી દેવાયું છે. ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય જળસીમાને અડીને આવેલા અરબી સમુદ્રના હરામીનાળાનો 22 કિલોમીટરનો વિસ્તાર પાકિસ્તાન માટે ભારતમાં ઘુસણખોરીના દ્વાર સમો છે.1965 અને 1971ના ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં કચ્છની સીમા પર પાકિસ્તાનની થયેલી કારમી હાર બાદ પાકિસ્તાને આ મોરચા પર ચીની સૈનિકોને ખડકવાના અવારનવાર પ્રયાસ કર્યાહ હતા.સૌથી પહેલા તેણે પાકિસ્તાનના સિંધ પ્રાંતના થરપાકર વિસ્તારના 3000 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલા ’ઇકોનોમિક કોરિડોર’ની સુરક્ષા માટે ચીનની ’રેડ આર્મી’ને ખડકી હતી.આ વિસ્તારમાં ચીનને ઢાલ બનાવવાનો વ્યૂહ પાકિસ્તાને અપનાવ્યો છે.કચ્છની જળસીમાથી નજીક આવેલા ગ્વાદર બંદર પર પણ ચાઈનીઝ ’રેડ સૈન્યની’હલચલ અવારનવાર જોવા મળતી હોવાનું ભારતીય ગુપ્તચર તંત્રએ અવારનવાર જણાવ્યું છે.જો કે કચ્છ સીમા પર,પાકિસ્તાનના કોઈ પણ દુ:સાહસને પહોંચી વળવા પૂરતી તકેદારી રાખવામાં આવી છે. પાકિસ્તાન પ્રેરિત કોઈ પણ હુમલાને ખાળવા સરહદી સલામતી દળ દ્વારા આ વિસ્તારમાં ’ક્રીક ક્રોકોડાઈલ કમાન્ડોઝ’તૈનાત કરાયા છે.