ભારતની આઝાદીના 75મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે. આજે સવારે 8.30 વાગ્યે દિલ્હી એરપોર્ટથી અમદાવાદ આવવા માટે રવાના થશે. 10.00 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યાંથી 10.30 કલાકે સાબરમતી આશ્રમ પહોંચશે, જ્યાં તેઓ બપોરે 12.15 સુધી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેશે. બે કલાકના રોકાણ બાદ તેઓ દિલ્હી જવા પ્રયાણ કરશે. સુરક્ષાને ધ્યાને લઈને આજે મોટા ભાગની જગ્યાઓનું નિરીક્ષણ SPG અને અન્ય સ્થાનિક પોલીસ એજન્સી દ્વારા કરવામાં આવ્યું છે. દાંડીયાત્રા માટે 81 લોકોનું ગુજરાતી ગ્રુપ પહોંચ્યું, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત અલગ અલગ જગ્યાએથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત અનેક લોકો પહોંચ્યા છે. દાંડીયાત્રામાં જોડાનાર મધ્યપ્રદેશના આશરે 30થી વધુ પદયાત્રીઓ અભયઘાટ પહોંચી ગયા છે. પીએમના કાર્યક્રમમાં પર્ફોર્મ કરવા તમિલનાડુથી એક ગ્રૂપ આવ્યું છે. અભયઘાટ ખાતે અમદાવાદ શહેર અને જિલ્લા અને તાલુકામાંથી સભામાં ભાગ લેવા લોકો પહોંચી રહ્યા છે. મોદીની મુલાકાતને લઈ વહેલી સવારથી જ સુભાષબ્રિજથી ગાંધી આશ્રમનો રોડ અને વાડજથી સુભાષબ્રિજ સુધીનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર રોડ પર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.