ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન પેટ કમિન્સ આજે સાબરમતી રિવરફ્રન્ટ પર વર્લ્ડકપ ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવશે.
અમદાવાદની ઓળખ બનેલા આઇકોનિક અટલ ફૂટ ઓવરબ્રિજ ઉપર ICC ટ્રોફી સાથે કમિન્સ ફોટો પડાવશે. આજે સવારે ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન સાબરમતી અટલબ્રિજ અને રિવરફ્રન્ટની મુલાકાત લેવાના છે ત્યારે આજે બપોરે 12.30 વાગ્યા સુધી અટલબ્રિજ અને રિવરફ્રન્ટ લોઅર પ્રોમીનાડ લોકો માટે બંધ રહેશે.
પેટ કમિન્સ ફોટશૂટ કરવા માટે અટલબ્રિજ અને રિવરફ્રન્ટ પર આવનાર હોવાથી આજે સવારથી પોલીસનો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. જ્યારે ગઈકાલની મેચમાં 6 હજારથી વધુ પોલીસ ખડેપગે રહ્યા હતા. આ માટે એડિશનલ કમિશનરથી લઈને છેક હોમગાર્ડ સુધીનું આખું લેયર ગોઠવી દેવામાં આવ્યું હતું. મેટ્રો સ્ટેશનથી લઈને ગ્રાઉન્ડની ખુરશી સુધી દર્શકો પહોંચે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ચૂક ન રહે તે માટે વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. ખાસ VVIP માટેની તેમજ વિદેશી નાગરિકો માટે પણ સુરક્ષા-વ્યવસ્થા માટે સૂચના અપાઈ હતી. વર્લ્ડ કપની ફાઈનલ મેચના આગલા દિવસે એટલે કે શનિવારે ભારતની ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન પેટ કમિન્સ ફોટોશૂટ માટે અડાલજની વાવ પહોંચ્યા હતા. બન્ને કેપ્ટને ICC ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. તેમજ બંને કેપ્ટને અલગ અલગ જગ્યાએ ફોટોશૂટ કરાવ્યું હતું. અહીંની કોતરણી દુનિયાભરમાં પ્રખ્યાત છે.