ગુજરાતમાં રોજબરોજના અકસ્માતના અનેક સમાચાર આવે છે. ઘણીવાર મોટા વાહનો ટુ વ્હીલરોને એવી રીતે ટક્કર મારી દે છે કે જાણે એ કોઈ રમકડુ છે કે પછી એ વાહનને તેઓ ગણકારતા નથી. જો આ હેવી વ્હીકલ ચલાવનારા ટ્રાફિકના નિયમોની સાથે માનવતાના પણ નિયમો અપનાવી લે તો રોજબરોજ અકસ્માતમાં થતા મોત અટકાવી શકાય છે. આજે અમદાવાદમા આવો જ એક હ્રદય કંપાવનારો અકસ્માત થવા પામ્યો છે. જ્યા શહેરના પાંજરાપોળ વિસ્તારમાં સહજાનંદ કોલેજ નજીક ડમ્પરચાલકે દીકરાને સ્કૂલે મૂકવા જઈ રહેલી એક્ટિવાચાલક મહિલાને અડફેટે લીધી હતી, જેમાં દહર ભટ્ટ નામના બાળકનું મોત થયું હતું. માતાની નજર સામે જ બાળકનું કચડાવાથી મોત થયું છે. આ મામલે ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બર્થડે પહેલા જ આવી ગયુ મોત
આંબાવાડીમાં આવેલી અમૃત જ્યોતિ સ્કૂલના જુનિયર કેજીમાં ભણતા દહર ભટ્ટ માતા સુરભિની સામે જ ડમ્પર નીચે કચડાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે બાળકનો 1 જૂને જન્મદિવસ હતો.