Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કિશન ભરવાડ પર ફાયરિંગ મામલે ખુલાસો - મૌલવીએ હત્યારાઓને રિવોલ્વર અને આર્થિક મદદ કરી

કિશન ભરવાડ પર ફાયરિંગ મામલે ખુલાસો  - મૌલવીએ હત્યારાઓને રિવોલ્વર અને આર્થિક મદદ કરી
, શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (17:07 IST)
અમદાવાદના ધંધુકામાં માલધારી સમાજના યુવકની હત્યા કરી મામલે પોલીસને આરોપીઓના CCTV ફૂટેજ સામે આવ્યાં છે. મામલાની ગંભીરતાને જોઈ આજે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખુદ ધૂંધકા જઈ પોલીસ તપાસ કઈ દિશામાં થઈ રહી છે તેની માહિતી લીધી હતી. 
 
ધંધૂકામાં ધોળા દિવસે બાઈક પર આવેલ બે વ્યક્તિએ જાહેરમાં કિશન ભરવાડ નામના યુવક પર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો, જેને પગલે શહેરમાં અજંપાભરી સ્થિતિ સર્જાતાં જોતજોતાંમાં લોકોનાં ટોળેટોળાં ઊતરી પડ્યાં હતાં અને શહેર સંપૂર્ણપણે બંધ થઇ ગયું હતું. આ ઘટના પગલે શહેરના જિલ્લાની પોલીસનાં ધાડેધાડાં ઉતારી દેવામાં આવ્યાં હતાં. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે. આ હત્યા કેસમાં બે મૌલવીની ભૂમિકાઓ પર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
 
આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ યુવાનોની અંદર કટ્ટરપંથીપણાનું ઝેર ભરનારા મૌલવીની અમદાવાદમાંથી ધરપકડ કરાઈ છે. એક રિવોલ્વર અને પાંચ કારતૂસ આ મૌલવીએ યુવાનોને આપ્યાં અને આ રિવોલ્વર વડે કિશનની હત્યા કરવામાં આવી હતી.
 
ઉચ્ચ પોલીસ અધિકારી મુજબ, મૌલવીએ હત્યારાઓને આર્થિક મદદ કરી હોવાની સાથે અન્ય મદદ પણ કરી હતી. યુવકની હત્યા માટે પ્રી-પ્લાન હતી તેમજ હત્યારાને મદદ કરવા માટે આગોતરું આયોજન હતું અને મૃતક યુવકની ટિપ પણ આપી હતી. આરોપીની પૂછપરછમાં બે મૌલવીની વાત સામે આવી છે, પણ હજી ચોક્કસ નામ બહાર આવ્યા બાદ પોલીસ નામની જાહેરાત કરશે. હવે આ કેસમાં વધુ ચોંકાવનારી વિગત સામે આવે એવી શક્યતા છે.
 
આ હત્યા અંગે ધંધૂકા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીને શોધવા જિલ્લા પોલીસવડા અને ડી.વાય.એસ.પી દ્વારા જુદી જુદી સાત ટીમ બનાવી હત્યારાઓને શોધવા ચારેતરફ પોલીસની ટીમ રવાના કરી દેવામાં આવી હતી. શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
 
શું છે મામલો
ધંધૂકા શહેરના સુંદરકૂવા વિસ્તારમાં 25 જાન્યુઆરીના સાંજના સમયે કિશન શિવાભાઈ બોળિયા (ભરવાડ) પર બાઈક પર આવેલા બે શખસ ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા. આ ઈજાગ્રસ્ત કિશનને આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે લઇ જવાતાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ હત્યાને પગલે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં અને શહેરની દુકાનો ટપોટપ બંધ થઇ ગઈ હતી. આ હત્યાને પગલે મૃતક યુવાનનાં પરિવારજનોએ જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની જાહેરાત કરતાં સંતો, મહંતોના કહેવાથી પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. જ્યારે આ મૃતક યુવકની સ્મશાનયાત્રામાં ઠેરઠેરથી હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને હત્યારાને તાત્કાલિક ઝડપી તેમની સામે કાર્યવાહીની માગ કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કર્ણાટકના પૂર્વ CM બીએસ યેદિયુરપ્પાની પૌત્રીએ કરી આત્મહત્યા, એપાર્ટમેંટમાં મળી લાશ