કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય, સી.બી.એસ.ઈ તેમજ રાજ્યની સ્કૂલોના 100 વિદ્યાર્થીઓ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેશે
વડાપ્રધાનના "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમની છઠ્ઠી આવૃત્તિ આગામી 27 મી જાન્યુઆરીના રોજ દિલ્લી ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત તરફથી જી.સી.ઈ.આર.ટી. દ્વારા બે વિદ્યાર્થી અને એક એસ્કોર્ટ ટીચરની પસંદગી કરવામાં આવી છે. આ અંતર્ગત અમદાવાદમાં 23 જાન્યુઆરીએ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય, સી.બી.એસ.ઈ તેમજ સ્ટેટ સ્કૂલોના 100 વિદ્યાર્થીઓ ભાગ લેશે. અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે આવેલી કેન્દ્રીય વિદ્યાલય(SAC)ને ભારત સરકારની નોડલ સ્કૂલ તરીકે પસંદ કરવામાં આવી છે.
દિલ્હીમાં વડાપ્રધાનના "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમમાં દાહોદ ખાતે ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની યુગ્મા લલિતભાઈ લબાના અને અમદાવાદ ખાતે ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી દક્ષ ભદ્રેશભાઈ પટેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ગુજરાતનું પ્રતિનધિત્વ કરશે. જ્યારે એસ્કોર્ટ ટીચર તરીકે વિદ્યાર્થીઓ સાથે સરકારી શાળાના શિક્ષિકા પ્રાર્થનાબેન મહેતા સહભાગી થશે.
બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા રાજ્યની સ્કૂલના વિદ્યાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પુસ્તક “Exam Warrior”નું વિતરણ કરવામાં આવશે. આ પુસ્તકમાં એક્ઝામ ફિયરને દૂર કરવા માટેના કેટલાક અનુભવો અને ચર્ચાઓનો ઉલ્લેખ કર્યો છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારે ચિત્રકામ જેવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કર્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેતા વિદ્યાર્થીઓને ઈનામ અને પ્રમાણપત્ર આપવાનું પણ રાજ્ય સરકારે આયોજન કર્યું છે