એક વર્ષ પહેલા બનેલા રોડ તથા નવા બનનાર રસ્તાઓ પર હવેથી પથ્થરની તકતી લગાવીને તેમાં આ રસ્તો કયા કોન્ટ્રાક્ટરે બનાવ્યો સહિતની વિગતો જણાવવામાં આવશે. તેને કારણે આ રોડ તૂટવા માટે કોણ જવાબદાર છે તે લોકો સ્પષ્ટ રીતે જાણી શકશે.
મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના રોડ તૂટવા મામલે થયેલી ચર્ચામાં આખરે અધિકારીઓને એવો નિર્દેશ આપવામાં આવ્યો છે કે, શહેરમાં નવા બનતા રસ્તાઓ પર ડિફેક્ટ લાયબિલિટી નક્કી કરવામાં આવે. જો નિયત સમય મર્યાદામાં રસ્તા પર પાણી ભરાવાને કારણે કે અન્ય કારણોસર રોડ તૂટી જાય તો તે રિપેર કરવાની જવાબદારી પણ સંબંધિત કોન્ટ્રાક્ટરની રહેશે. તે માટે શહેરમાં નવા બનેલા તમામ રોડ પર તે અંગેની જાણ કરતી એક તકતી લગાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.આ તકતીઓમાં કોન્ટ્રાક્ટરનું નામ, રસ્તો ક્યારે બન્યો, રોડની લંબાઇ, પહોળાઇ, જવાબદારી તથા અન્ય વિગતોનો સમાવેશ થશે. અગાઉ આવા પ્રયોગોમાં લોખંડની તકતી મુકાતી હતી ત્યારે તેની ચોરી થઇ જતી હોવાનો બચાવ કરાયો હતો. તેને કારણે હવે પત્થરની તકતી મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો જેથી તે વધુ ટકાઉ રહે.આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ સફાઇ બાબતે પણ વધુ ધ્યાન આપવા માટે કહેવાયું છે. જેમાં પાણી ભરાયા હોય અને નિકાલ થયો હોય તેવા સ્થળે ઝડપથી પાવડરનો છંટકાવ કરવા માટે તેમજ ગંદકી સાફ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો.