વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં 21 વર્ષિય કાશ્મીરી યુવકે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે વિદ્યાનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ક્યા કારણોસર યુવકે આત્મહત્યા કરી છે તે અંગે તપાસ હાથ ધરી છે.વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં અને મુળ કાશ્મીરી યુવક સફીમહંમદ ઠાકોર (ઉ.વ.21) યુનિવર્સિટીની નહેરૂ હોસ્ટેલમાં મકાન નં.25માં રહી અભ્યાસ કરતો હતો. સફીમહંમદે શુક્રવારની મોડી રાત્રે કોઇ અગમ્ય કારણોસર રૂમ બંધ કરી પંખા સાથે કાશ્મીરી સાલ વડે ગળેફાંસો ખાઇ લીધો હતો.
જોકે, તેના મિત્ર વર્તુળને જાણ થતાં તેઓએ તુરંત તેને કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.આ ઘટનાની ગંભીરતાના પગલે વિદ્યાનગર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સફીમહંમદે ક્યા કારણસર આત્મહત્યા કરી છે તે અંગે તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રો પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ સફીમહંમદ મુળ અનંતનાગ ફુલગાવનો વતની હતો. છેલ્લા એક મહિનાથી તે એમએસસીના પ્રથમ વર્ષમાં અભ્યાસ માટે વિદ્યાનગર આવ્યો હતો. નહેરુ હોસ્ટેલની રૂમ નંબર 25 માંથી તેનો પંખે લટકતો મૃતદેહ મળ્યો હતો. જોકે, આ વિદ્યાર્થીએ ક્યા કારણોસર આત્મહત્યા કરી છે તે વિશે જાણવા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે.