પોલીસે ત્રણ આરોપીને ઝડપીને સઘન પુછપરછ હાથધરી
જીવરાજ પાર્કમાં આવેલ કૈલાશ ટેનામેન્ટના એક મકાનમાં અમેરિકન નાગરીકોને લોન આપવાનો વિશ્વાસ કેળવી ઠગાઈ કરતા કોલસેન્ટર ચલાવનાર ત્રણને સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યું છે. સાયબર ક્રાઈમની ટીમે કેટલા સમયથી આ કોલ સેન્ટર ચલાવતા હતા, આ કોલ સેન્ટરમાં બીજા કેટલા લોકો કામ કરતા હતા તે સહિતની પુછપરછ હાથધરી છે.
જીવરાજ પાર્ક વિસ્તારમાં પોલીસે પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, વેજલપુર જીવરાજપાર્કમાં આવેલ કૈલાશ ટેનામેન્ટના એક મકાનમાં તીર્થ ભટ્ટ તેના માણસોને રાખીને અમેરીકાની લોન આપનાર કંપનીના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને અમેરીકન નાગરીકોને લોન આપવાનો વિશ્વાસ કેળવી લોનના બહાને પે-ડે પ્રોસેસથી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવે છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને તીર્થ ભટ્ટ, અમનખાન બાબી અને પાર્થ સોલંકીને ઝડપી પાડ્યા હતા. આરોપીની પુછપરછ કરતા તેઓ અમેરીકાની લોન આપતી કંપનીના અધિકારી હોવાની ઓળખ આપીને સ્કાયપી એપ્લીકેશનની મદદથી અમેરિકન નાગરીકોને કોલ કરી લોન આપવાના બહાને લોનના ઈન્સ્યુરન્સ પેટે, ક્રેડીટસ્કોર બુસ્ટ કરવા માટે, બ્લોક થયેલ એકાઉન્ટ અનબ્લોક કરવા માટે એક એપ્લીકેશન ડાઉનલોડ કરાવતા હતા. બાદમાં ગીફકાર્ડની ખરીદી કરાવીને કાર્ડની પ્રોસેસીંગ કરી નાણા મેળવી લઈ વિશ્વાસઘાત અને ઠગાઈ આચરતા હતા. હાલમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.