Ahmedabad's Atal Foot Over Bridge in three months
અમદાવાદીઓ માટે કાંકરિયા બાદ હવે ફરવા માટેનું સ્થળ રિવરફ્રન્ટ છે. સાબરમતી નદી પર બનાવેલો આઇકોનિક અટલબ્રિજ પણ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઉનાળાના વેકેશનના સમયગાળા દરમિયાન અટલ ફૂટ ઓવર બ્રિજ લોકો માટે ફરવાલાયક સ્થળ બની ગયો હતો. છેલ્લા ત્રણ મહિનામાં 5 લાખ જેટલા મુલાકાતીઓ અટલ ફૂટ ઓવર બ્રિજ જોવા માટે આવ્યા હતા. એને કારણે સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનને રૂપિયા 1.50 કરોડની આવક થઈ છે. ખાસ કરીને મે મહિનામાં સૌથી વધારે મુલાકાતીઓ ફૂટ ઓવર બ્રિજ જોવા આવ્યા હતા.
4 જૂન ઉનાળુ વેકેશનનો છેલ્લો રવિવાર હોવાથી 20 હજારથી વધુ મુલાકાતીઓએ અટલબ્રિજની મજા માણી હતી.સાબરમતી નદીના પશ્ચિમ કાંઠાને પૂર્વ કાંઠા સાથે જોડનારા ફૂટ ઓવર બ્રિજ, એટલે કે અટલબ્રિજનું વર્ષ 2022માં લોકાર્પણ કરાયું હતું. સામાન્ય દિવસોમાં અટલબ્રિજ સવારના નવ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી લોકો માટે ખુલ્લો મુકાયો હતો. જોકે ઉનાળાની રજા હોઈ, એ હવે રાતના 11 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લો મૂકવામાં આવતાં મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી છે. છેલ્લા ત્રણ મહિનામાં અટલ ફૂટ ઓવર બ્રિજ અને ફ્લાવર પાર્કમાં પાંચ લાખ જેટલા લોકો આવ્યા હતા, જેમાં સૌથી વધારે મે મહિનામાં કુલ 2,64,932 મુલાકાતી અટલબ્રિજ પર આવ્યા હતા.ઉનાળુ વેકેશન હોવાથી અટલબ્રિજ ખાતે રોજના આશરે સાત હજાર જેટલા મુલાકાતીઓ નોંધાયા હતા. ઉનાળાના વેકેશન દરમિયાન દર રવિવારે 12000થી 15000 જેટલા મુલાકાતીઓ અટલ ફૂટ ઓવર બ્રિજ જોવા આવ્યા હતા. મે મહિનામાં શાળા-કોલેજોમાં વેકેશન ચાલતું હોઈ, બહારગામના મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો હતો, જોકે કાળઝાળ ગરમીના કારણે મોડી સાંજ પછી મુલાકાતીઓ અટલબ્રિજ ખાતે મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા.ગત 31 ઓગસ્ટ 2022થી અટલબ્રિજ લોકો માટે ખુલ્લો મુકાયો હતો. ત્યારથી લઈ 31 મે, 2023 સુધીના સમયગાળામાં, એટલે કે છેલ્લા નવ મહિનામાં કુલ 26,36,412 એટલે કે 26 લાખથી વધુ મુલાકાતીઓએ અટલબ્રિજનો આનંદ માણ્યો હતો. જૂનના પહેલા ચાર દિવસમાં 46 હજારથી વધુ મુલાકાતી નોંધાયા છે.