જામનગરમાં આજે સાંજે લગભગ સાત વાગ્યા પછી ભૂંકપનો જોરદાર આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 4 થી વધુની તિવ્રતાનો આંચકો હોય મોટાભાગના લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો.
જામનગર શહેરમાં સાંજે 7 અને 13 મિનિટે ધરા ધ્રુજી ઉઠી હતી. સિસ્મોલોજી વિભાગમાં આંચકાની તિવ્રતા 4.3 રિકટર સ્કેલની નોંધવામા આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી 14 કિલોમીટર દૂર નોંધવામા આવ્યું છે. સદનસીબે ભૂકંપના આંચકાના કારણે હજી સુધી કોઈ ખાસ નુકસાનીના સમાચાર નથી આવ્યા. જો કે, લાંબા સમય બાદ 4 રિકટર સ્કેલ કરતા વધુનો આંચકો આવતા શહેરીજનોમાં થોડી વાર માટે ડરનો માહોલ છવાયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
જામનગર શહેરમાં સાંજે સવા સાત વાગ્યાના અરસામાં અનુભવાયેલા ભૂકંપના આંચકાની જેમ જ જિલ્લાના કાલાવાડ, ધ્રોલ, જોડિયા અને લાલપુર તાલુકાના લોકોએ પણ આંચકાનો અનુભવ કર્યો હતો. જો કે, ગ્રામ્ય વિસ્તારમાં પણ ભૂકંપના આંચકાના કારણે હજી સુધી કોઈ નુકસાનીના સમાચાર મળ્યા નથી.