સાડા પાંચ વર્ષની ઉંમરના ડાકોરના મહંમદ અરફાન શેખ અને વડોદરાના યાકુતપૂરા ના ૮ વર્ષના મહંમદ હસાન ને વારંવાર લકવાનો હુમલો થતો. બંને ના પરિવારો આ બાળકોને લઈ વિવિધ જગ્યાઓના ખાનગી દવાખાનાઓમાં ગયા.પૈસા ખર્ચ્યા પણ કોઈ ઈલાજ ના મળ્યો કે રાહત ના થઈ.
આખરે સરકારી સયાજી હોસ્પિટલનો સહારો મળ્યો. અહીં ન્યુરો સર્જરી વિભાગના વડા ડો.અમેય પાટણકર તથા તેમના સહયોગી ડો. પાર્થ મોદી અને ડો.યક્ષ સોમપુરા તથા તબીબોએ આ બાળકો જવલ્લેજ થતાં અને મગજને લોહી પહોંચાડતી ધમનીઓમાં સંકોચન ના લીધે લોહીનો અપૂરતો પુરવઠો મળવાના લીધે થતાં માયો માયો નામના રોગથી પીડિત હોવાનું સચોટ નિદાન કર્યું.લગભગ ૫ કલાક થી પણ લાંબી ચાલતી જટિલ સર્જરી કરીને આ બાળકોને ઉપરોક્ત રોગ સામે રાહત અપાવી.
મહંમદ અરફાન ના કાકા અઝહર શેખે જણાવ્યું કે ખાનગી હોસ્પિટલોમાં આ રોગની સારવાર ઘણી જ ખર્ચાળ છે જે અમારા પરિવારને પોસાય તેમ ન હતી.આણંદ, અમદાવાદના ખાનગી દવાખાનાઓ ના પગથીયા ઘસવા છતાં નિદાન કે ઈલાજ મળતો ન હતો.આખરે સયાજી હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગે નાણાંકીય અને માનસિક રાહત અપાવી.ખૂબ મોટી અને જટિલ સર્જરી વિનામૂલ્યે થઈ. ખાનગી દવાખાનાઓ કરતાં અમને ઘણું સારું પરિણામ મળ્યું છે.
આ બંને પરિવારો સરકારી આરોગ્ય સેવાઓ અને સયાજી હોસ્પિટલ ના ન્યૂરો સર્જરી અને એનેસ્થેસિયા,બાળ રોગ સહિતના વિવિધ વિભાગોના તબીબો અને સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.