ગુજરાતમાં દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવાનો જાણે એક રિવાજ જ થઈ ગયો છે. ગઈકાલે અમદાવાદમાં જલેબી રૃપિયા 800, ફાફડા રૃપિયા 700 પ્રતિ કિગ્રાએ એમ ડ્રાયફ્રૂટની કિંમતે વેચાઇ હોવા છતાં ફરસાણની અનેક દુકાનો બહાર બે કલાકની લાંબી લાઇન જોવા મળી હતી. ફાફડા જલેબીની કિમંતો ડ્રાયફ્રુટની કિમંત સુધી પહોંચી જતા વેચાણમાં પચીસ ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો હતો.
શહેરીઓએ તહેવારમાં જૂની પરંપરા જાળવી રાખવા ઊંચા ભાવો વચ્ચે પણ જરૂરી માત્રામાં ફાફડા જલેબી ખરીદીને મંદીમાં પણ તેનો સ્વાદ ચાખ્યો હતો. જો કે શહેરના ચાર હજાર જેટલા ફરસાણ-સ્વીટમાર્ટના સૂત્રો એવો અંદાજ વ્યક્ત કરી રહ્યાં છે કે, ફાફડા જલેબીનું રૂપિયા 200 કરોડનું વેચાણ થયું હતું. જે ગત વર્ષે 250થી 300 કરોડ જેટલુ હતું. ફાફડા-જલેબી 1-1 કિગ્રા લેવામાં આવે કે 1 કિગ્રા ડ્રાયફ્રૂટ્સ ખરીદવામાં આવે તેની કિંમત લગભગ સમકક્ષ થઇ જતી હતી. નવાઈની વાત તો એ છે કે ફાફડા માટે જે બેસનનો ઉપયોગ કરવામાં આવે છે તેની પ્રતિ કિગ્રાની કિંમત રૃપિયા 75 હોય છે. બેસનની કિંમતના 10 ગણી કિંમતે ફાફડાનું વેચાણ થયું હતું. ફાફડા ખાવાના શોખીન ગુજ્જુઓનુ માનવુ છે કે આખું વર્ષ ભલે ફાફડા-જલેબી ના ખાઇએ પણ તેને આરોગ્યા વિના દશેરા તો અધૂરી જ ગણાય.