ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર આજે વિધાનસભા ગૃહના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ભૂજના ધારાસભ્ય શ્રી ડૉ.નીમાબેન આચાર્યની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.
ચૌદમી ગુજરાત વિધાનસભામાં નવમા સત્રના પ્રથમ દિવસે વિધાનસભા ગૃહમાં શાસક પક્ષના નેતા અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે ડૉ.નીમાબેન આચાર્યની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે વરણી માટે કરેલી દરખાસ્તને શાસકપક્ષ અને વિપક્ષના તમામ ધારાસભ્યોએ ઉત્સાહભેર વધાવી લઇને સર્વાનુમતે ટેકો આપીને મહિલા સશક્તીકરણને વધુ પ્રાધાન્ય આપવા એક હકારાત્મક અભિગમની અનોખી પહેલ કરી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું હતું કે જેમના નામ પરથી ગુજરાત વિધાનસભા ગૃહનું નામકરણ થયેલું છે તેવા અને વર્ષ ૧૯૨૫માં CLAના પ્રથમ સભ્ય એવા માન.વિઠ્ઠલભાઇ પટેલની પણ આજે જન્મતિથિ છે તેવા શુભ દિવસે સભાગૃહે એક નવી ઉજ્જવળ પરંપરાનો પ્રારંભ કરીને ડૉ. નીમાબેન આચાર્યની ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે વરણી કરી છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ડૉ.નીમાબહેન આચાર્યને પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે સભાગૃહવતી અભિનંદન આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે વિધાનસભા ગૃહમાં મંત્રીમંડળના સભ્યશ્રીઓ, વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઇ ધાનાણી સહિત તમામ ધારાસભ્યશ્રીઓએ ડૉ.નીમાબેન આચાર્યને ગૃહના પ્રથમ મહિલા અધ્યક્ષ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ધારાસભ્યશ્રી ડૉ. નીમાબેન આચાર્યનો પરિચય :
ર્ડા. નીમાબેન ભાવેશભાઈ આચાર્ય, ૩ ભૂજ મત વિભાગ (કચ્છ) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. ૧રમી ડિસેમ્બર, ૧૯૪૭ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના નાગનેશ ખાતે થયો હતો. તેઓએ એમ.બી.બી.એસ., ડી.જી.ઓ. અને ગાયનેક ઓબસ્ટ્રેટીક એમ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ વ્યવસાયે ર્ડાકટર છે. તેઓ નવમી, અગીયારમી, બારમી અને તેરમી વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તિઓ, ગ્રામવિકાસલક્ષી પ્રવૃત્તિઓ, રમતગમત પ્રવૃત્તિઓ સહિત અનેક જનહિતલક્ષી કામગીરીમાં શોખ ધરાવે છે.