ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં તમામ પરિણામ આવી ગયા છે.
182 વિધાનસભા સીટ ધરાવતા ગુજરાતમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે, ભાજપને 156 સીટ મળી છે. ભાજપને 52.50 ટકા મતા મળ્યા છે.
તો કૉંગ્રેસને 27.28 ટકા મત સાથે 17 સીટ મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીને પાંચ સીટ મળી છે.
આમ આદમી પાર્ટીનો વોટ શૅર 12.92 ટકા રહ્યો છે.
ગુજરાતમાં ભાજપને મળેલી જીત અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. ભાજપ છેલ્લાં 27 વર્ષથી ગુજરાતમાં સત્તામાં છે.
ગુજરાતમાં ભાજપની આ જીત કેટલી મહત્ત્વની છે, એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે ગુજરાતની સ્થાપનાનાં 60 વર્ષ દરમયિયાન થયેલી વિધાનસભા ચૂંટણીમાં આ એક રેકૉર્ડ છે.
અગાઉ મોટી જીતનો રેકૉર્ડ કૉંગ્રેસના નામે હતો. કૉંગ્રેસને 1985માં યોજાયેલી સાતમી વિધાનસભા ચૂંટણીમાં 149 સીટ મળી હતી, એ સમયે ભાજપને માત્ર 11 સીટ મળી હતી.