મંદ બુદ્ધિના બાળકના પ્રેમમાં પાગલ માતા
માતાની મમતાના અફાટ સમુદ્રને ઉલેચવાનો પ્રયાસ-
''અંધારિયા ઓરડાને પ્રકાશિત કરવા માટે શાંતાબહેને લાકડાની બારી ખોલી અને ખૂણામાં પડેલા અરિસાને સૂર્યના આછા પ્રકાશ સામે ધરીને પોતાના ચહેરાને બરાબર નીરખ્યો. થોડી જ ક્ષણોમાં તેમના ખુશનુમા ચહેરા ઉપર ગંભીર મુદ્રા છલકાઈ ગઈ. કપાળ પર પડેલી કરચલીઓ અને આંખોની આસપાસના કાળા કુંડાળા વૃદ્ધા અવસ્થા અને અશક્તિની ચાડી ખાતા હતા. પરંતુ, વધુને વધુ જીવવાની લાલસાનો વિરોધાભાસ તેમના મોઢા ઉપર સાફ છલકાતો હતો. ગરીબી અને મુફલીસીની જીંદગી જીવવી કોને વ્હાલી લાગે, ઢળતી વયે કોઈના ઘરના ઠીકરા ઘસીને નજીવુ વળતર મેળવવુ કોઈ ગમે. આ નર્કાગાર જેવા જીવનનો અંત ક્યારે આવે, તેની વાટ જોવાના બદલે જાણે અમરત્વ પ્રાપ્ત કરવાની ઈચ્છા તેમના મનમાં હતી. કારણ કે તેમનો જીવ એકના એક પુત્ર કુંદનમાં હતો. ઓરડાના બંધ દરવાજા પાસે એકલા-એકલા અજીબ ગણગણાટ કરી રહેલા પડછંદ કાયા ધરાવતાં જુવાનજોધ કુંદન તરફ તેમણે નજર કરીને નિસાસો નાંખ્યો. મંદબુદ્ધીના કુંદનનુ મારા પછી કોણ ? અંતરમનમાં ઉદભવેલા વેધક પ્રશ્નનો જવાબ શોધતાં વૃદ્ધ શાંતાબહેનની આંખમાંથી આંસુ સરી પડ્યાં. ''તેને કોણ ખવરાવશે...કોણ તેને નવડાવશે...તેનુ સમગ્ર જીવન પરાવલંબી છે. યુવાન હોવા છતાંય તેની બુદ્ધી નાના બાળક જેવી છે. તેને પહેરવા-ઓઢવાનુ ભાન નથી. જમતાં-જમતાં તેના મોઢામાંથી કોળિયો પણ સરી પડે છે અને તેને સાફ કરવા માટે મારે જાતે જ હાજર રહેવુ પડે છે. મારા પછી તેને કોણ સાચવશે...?? તેવો સવાલ તેમની આત્માને કોરી ખાતો હતો''
ચિંતામાં સરી પડેલા શાંતાબહેનના વ્યથીત મનમાં પુરાણી યાદો તાજા થઈ ગઈ. કુંદનનો જન્મ થયો ત્યારે તેના પિતાએ આખાય ગામમાં મિઠાઈ વહેંચી હતી. તેના તેજોમય ચહેરાને જોઈને તેનુ નામ સોનુ એટલે કે, કુંદન રાખવામાં આવ્યુ હતુ. ઘોડિયામાં સૂતા-સૂતા તેની આંગળીઓની 'હરકતો'ને જોઈને તેઓ 'હરખાતા' હતા. માતા-પિતાને ક્યાં ખબર હતી કે, જેને ઘડપણની લાકડી સમજી રહ્યા છે... આખી જીંદગી તેનો સહારો બનવુ પડશે. જેમ-જેમ તેની ઉંમર વધતી ગઈ તેની માનસિક બિમારી છતી થતી ગઈ અને મા-બાપની ઉમ્મીદો પર પાણી ફરતુ ગયુ. જ્યારે તબિબે તેને માનસિક વિકલાંગ ઘોષીત કર્યો ત્યારે બંનેના કાળજા વિંધાઈ ગયા.
માનસિક બિમાર પુત્રને જોઈને પિતા હતાશામાં ગરકાઈ જતાં, પરંતુ તેઓ તેને છાતી સરસો ચાંપીને કહેતા કે, નવ મહિના સુધી પિડા સહન કરીને કુંદનને જન્મ આપ્યો છે. આ ઈશ્વરનો આશિર્વાદ છે તેને નિભાવવો જ રહ્યો અને ત્યારપછી તેનુ લાલન-પાલન કરવુ જાણે તેમનો એકમાત્ર ધ્યેય બની જતો. શાંતાબહેન સુતા અને જાગતાં માત્રને માત્ર કુંદનનો વિચાર કરતાં હતા. તેને નવડાવતાં, ખવડાવતાં, રમાડતા અને ફરવા લઈ જતાં. જોતજોતાંમાં દિવસો, મહિનાઓ અને પછી વર્ષો વિતી ગયા અને કુંદન કિશોરાવસ્થામાં પ્રવેશ્યો. શાંતાબહેન માત્રને માત્ર કુંદન માટે જ જીવતાં હતા. તેની દરેક જરૂરતોનો અંદાજ જાતે જ લગાવતાં અને તેને પૂરી કરવાનો સંનિષ્ઠ પ્રયાસ કરતાં હતા. સામાપક્ષે માતૃત્વની લાગણીઓને સમજે તેટલી પરિપક્વતા પુત્રમાં વિકસીત થતી ન હતી. તેમ છતાંય આ પરિસ્થીતીને પ્રારબ્ધ માનીને તેમણે પોતાની મમતામાં લેશમાત્ર પણ ઘટાડો કર્યો ન હતો. માનસિક રોગીઓના હોસ્પિટલમાં તેને મુકી દેવા માટે પતિ તેમની સામે પ્રસ્તાવ મુકતાં હતા. પરંતુ, એકના એક પુત્રને એક ક્ષણ પણ દુર રાખવા માટે તેઓ રાજી ન હતા. તે પતિના પ્રસ્તાવને પલાયનવાદ તરીકે આલેખીને ક્રોધીત થઈ જતાં હતા.
કુંદને જ્યારે વયસ્ક અવસ્થામાં પગ મુક્યો ત્યારે તેના પરિવાર ઉપર વધુ એક કઠુરાઘાત થયો. આધેડવયે પહોંચેલા તેના પિતા આકસ્મિક સંજોગોમાં મૃત્યુ પામ્યા. પતિના મોતના આઘાત સામે માનસિક અસ્વસ્થ પુત્રના ભવિષ્યની ચિંતાએ વિધવા શાંતાબહેનના મનોબળને પર્વતથી પણ વધુ બુલંદ બનાવી દીધુ. સમાજના લોકો તેમની સામે દયાદ્રષ્ટીથી જોવા લાગ્યા. પરંતુ, લોકોની સામે હાથ ફેલાવવાના બદલે તેમણે સ્વાવલંબી બનવાનો નિર્ધાર કર્યો. સમાજના ઠેકેદારોના ખોખલા દયાભાવને જડબાતોડ જવાબ આપવા માટે તેઓ જાતે જ કામ શોધવા નીકળી પડ્યા. થોડા પ્રયત્નો બાદ તેમને નજીવા પગારની નોકરી તેમને મળી ગઈ, જે ડૂબતાને તણખલા સમાન હતી. તેઓ એક માલેતુજાર પરિવારમાં બાઈ તરીકે તેઓ કામ કરવા લાગ્યા અને તેમનુ ગુજરાન ચાલવા માંડ્યું. નોકરી અને ઘર ચલાવવા પાછળ કુંદન પ્રત્યેની તેમની લાગણી કારણભૂત હતી. માતાની છત્રછાયામાં બાળપણથી કિશોરાવસ્થા અને હવે યુવાની સુધી પહોંચી ગયેલા કુંદનને તેની માતાના બલિદાનોની લેશમાત્ર જાણકારી ન હતી. તેમ છતાંય માતાના મનમાં તેના વિષે કોઈ પણ પ્રકારની ગ્લાની કે ક્ષોભ જોવા મળતો ન હતો. સાંજ પડ્યે ઓટલા પર બેસીને શાંતાબહેન પાડોશી મહિલાઓ સાથે માત્રને માત્ર કુંદનની જ વાતો કરતાં હતા. તેમના પાસે ચર્ચા માટે પુત્ર સિવાય અન્ય કોઈ વિષય ન હતો. માનસિક બિમાર પુત્ર માટેના અનહદ પ્રેમને કારણે તેમનુ જીવન એક ઓરડા પૂરતુ સિમીત થઈ ગયુ હતુ. તેમના જીવનનો ઉદ્દેશ પુત્રની પરવરીશ પર શરૂ થતો અને તેના પર જ પૂર્ણ થઈ જતો હતો.
ગઈકાલે મોડીરાત સુધી કુંદનને ઉંઘ ન આવી અને તેને સૂવાડવાના પ્રયત્નો કરતાં શાંતાબહેન પણ મધ્યરાત્રી સુધી જાગતાં રહ્યા. વહેલી સવારે જ્યારે આંખ ખુલી ત્યારે કુંદન દરવાજાની બાજુમાં બેઠો-બેઠો કંઈક બબડ્યા કરતો હતો. અંધારિયા ઓરડાને પ્રકાશિત કરવા માટે શાંતાબહેને લાકડાની ખખડધજ બારી ખોલી અને ખૂણામાં પડેલા અરિસાને સૂર્યના આછા પ્રકાશ સામે ધરીને પોતાના ચહેરાને બરાબર નીરખ્યો અને વૃદ્ધા અવસ્થાનો અહેસાસ થતાં ફરી એકવાર કુંદનની ચિંતામાં સરી પડ્યાં. થોડા સમય બાદ યાદ આવ્યુ કે, સવારથી કુંદને કશુ જ ખાધુ નથી.... ચિંતાને થોડા સમય માટે તિલાંજલી આપીને તેઓ તીવ્રતાથી રસોડા તરફ પહોંચ્યા અને તેને ભાવતી રસોઈ બનાવવામાં વ્યસ્ત થઈ ગયા...!!!
''ઉપરોક્ત વાર્તામાં કાલ્પનિક પાત્રોને રજુ કરીને માતાની મમતાના અફાટ સમુદ્રને ઉલેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, બીજી તરફ માતૃત્વની ભાવનાને સમજવામાં ગાફેલ રહેનારા અનેક જુવાનજોધ દિકરાઓમાં ઉંમર સાથેની માનસિક પરિપક્વતાનો અભાવ હોવાનો અંગૂલી નિર્દેશ પણ કરવામાં આવ્યો છે''