ભાજપનો મૅનિફેસ્ટો, '2022 સુધીમાં દરેક ગરીબને ઘર આપવામાં આવશે'
પ્રથમ તબક્કાના મતદાનને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સોમવારે ભાજપ દ્વારા ઇલેકશન મૅનિફેસ્ટો જાહેર કરાયો છે.
ભાજપે તેના મૅનિફેસ્ટોને 'સંકલ્પપત્ર' એવું નામ આપ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહને ભાજપે ચૂંટણીઢંઢેરો ઘડવાની જવાબદારી સોંપી હતી.
છ કરોડ લોકોનો સંપર્ક સાધીને સંકલ્પપત્ર તૈયાર કર્યું હોવાનો દાવો ભાજપ દ્વારા કરાઈ રહ્યો છે.
આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશમંત્રી સુષમા સ્વરાજ, ગૃહમંત્રી રાજનાથસિંહ, નાણામંત્રી અરુણ જેટલી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ હાજર રહ્યાં હતાં.
રાજનાથસિંહના કહેવા પ્રમાણે, મૅનિફેસ્ટો 'દૂરંદેશી અને પ્રૅક્ટિકલ' છે. 'ભારત કે મન કી બાત' કાર્યક્રમ હેઠળ જનતાનો સંપર્ક સાધી સૂચનો માગવામાં આવ્યાં.
2022 સુધીમાં દરેક ગરીબને ઘર આપવામાં આવશે.
બંધારણની સીમામાં રહીને અયોધ્યામાં રામમંદિર નિર્માણની શક્યતાઓ શોધાશે.
માત્ર બે એકરની ખેતી ધરાવતા ખેડૂતોને જ નહીં, તમામ ખેડૂતોને વાર્ષિક રૂપિયા છ હજાર કરોડની સહાય આપવામાં આવશે.
'રાષ્ટ્રીય વ્યાપારી આયોગ'નું ગઠન કરવામાં આવશે. 60 વર્ષથી વધુ ઉંમરના નાના ખેડૂતો અને નાના વેપારીઓને પેન્શન આપવામાં આવશે.
ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં બેઠકોની સંખ્યા વધારવી.
તમામ સિંચાઈ યોજનાઓને પૂર્ણ કરવી.
તમામ ઘરોમાં વીજળી અને સ્વચ્છ જળ પહોંચાડવાં.
રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ બમણી કરવામાં આવશે.
175 ગીગાવોટ વીજળીનું ઉત્પાદન કરવું.
રેલવે માર્ગોને બ્રૉડગેજ કરવાની અને વિદ્યુતીકરણ.
ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસમાં ક્રમાંક સુધારવો,
નિકાસ બમણી કરવી, નાના અને લઘુ ઉદ્યોગો માટે સિંગલ વિન્ડો સિસ્ટમ લાગુ કરવી.
પાંચ વર્ષમાં 100 લાખ કરોડ રૂપિયા માળખાકીય સુવિધા વિકસાવવા પાછળ ખર્ચવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'રાષ્ટ્રવાદ, અંત્યોદય અને સુશાસન'ને કેન્દ્રમાં રાખીને મૅનિફેસ્ટો તૈયાર કર્યો.
"2022માં મધ્યસત્રીય મૂલ્યાંકન પણ થઈ શકશે, જળશક્તિ મંત્રાલયની સ્થાપના કરવામાં આવશે."
મોદીએ કહ્યું, "ગત પાંચ વર્ષ દરમિયાન જનતાની 'જરૂરિયાતો' માટે કામ કર્યું અને આગામી પાંચ વર્ષનો સમય 'આકાંક્ષાઓ'ને પૂર્ણ કરનારો હશે."
"સ્વચ્છતાને જનઆંદોલન બનાવ્યા બાદ હવે વિકાસને જનઆંદોલન બનાવીશું."
"હિંદુસ્તાન આઝાદીની 100મી વર્ષગાંઠ ઊજવે ત્યારે દેશ 'વિકાસશીલ રાષ્ટ્રમાંથી વિકસિત રાષ્ટ્ર બને' તેનો પાયો 2019-2024 દરમિયાન નખાશે."
કૉંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજીને ભાજપના મૅનિફેસ્ટો અંગે ટિપ્પણી કરી હતી. અહમદ પટેલે ભાજપના મૅનિફેસ્ટો પર પ્રશ્નાર્થ સર્જતા કહ્યું, "ગઈ ચૂંટણીમાં કરાયેલા વાયદાઓનું શું થયું? ખેડૂતો અને વેપારીઓને કરેલા વાયદાનું શું થયું?"