Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતમાં MBBSની સીટો વધારાઇ, હવે નવી મેડીકલ કોલેજો શરૂ કરવા કેન્દ્ર સરકારમાં કરશે દરખાસ્ત

ગુજરાતમાં MBBSની સીટો વધારાઇ, હવે નવી મેડીકલ કોલેજો શરૂ કરવા કેન્દ્ર સરકારમાં કરશે દરખાસ્ત
, શનિવાર, 12 ઑક્ટોબર 2019 (16:52 IST)
રાજયમાં પ્રજાજનોને આરોગ્‍ય સવલતોનો વ્‍યાપ વધે તેમજ ઘર આંગણે તબીબી શિક્ષણની સુવિધા ઉપલબ્‍ધ થાય તે માટે રાજય સરકારે અનેકવિધ પગલા લીધા છે. કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા દેશના ૭૫ જિલ્લાઓમાં કે જ્યાં મેડીકલ કોલેજો નથી તે માટે દરખાસ્તો મંગાવાઇ છે તેમાં ગુજરાતના ૫ જિલ્લાઓની પસંદગી થઇ છે. તે પૈકી રાજ્યના નર્મદા, નવસારી અને પોરબંદર ખાતે નવી મેડીકલ કોલેજો સ્થાપવા માટે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
 
નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને અદ્યતન સારવાર ઘર આંગણે ઉપલબ્ધ થાય તે રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે ત્યારે આ નવી કોલેજોના નિર્માણથી નાગરિકોને વધુ સારી સવલતો પ્રાપ્ત થશે અને તબીબી શિક્ષણની બેઠકો પણ વધશે. કેન્દ્ર સરકાર દ્વારા આકાંક્ષી જિલ્લાઓમાં મેડીકલ કોલેજ માટે અગ્રીમતા અપાઇ છે ત્યારે રાજ્યના દાહોદ જિલ્લામાં મેડીકલ કોલેજ કાર્યરત છે હવે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે નવી મેડીકલ કોલેજ થતાં આદિવાસી નાગરિકો તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતાં લાખો પ્રવાસીઓને ત્વરીત સારવાર મળી રહેશે.
 
આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકારે રાજ્યોમાં સરકારી મેડીકલ કોલેજોની એમબીબીએસની સીટોમાં વધારો કરવા અંગેની યોજના અમલમાં મુકી છે. જેનો લાભ લઇ ગુજરાત સરકારે એમ.બી.બી.એસ.ની બેઠકો વધારવા માટે નવી કોલેજોના નિર્માણ માટે દરખાસ્ત કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં નિર્માણ થનાર આ કોલેજોમાં કોલેજ દીઠ રૂ.૩૨૫ કરોડ ખર્ચ થશે જેમાં ભારત સરકારના ૬૦ % લેખે રૂ.૧૯૫ કરોડ તથા રાજ્ય સરકારના ૪૦ % લેખે રૂ.૧૩૫ કરોડ મળી કુલ-૩ કોલેજો રૂ.૯૭૫ કરોડના ખર્ચે ગુજરાતમાં સ્થપાશે. જેમાં હયાત હોસ્પિટલોનું અપગ્રેડેશન કરીને ખૂટતા સાધનો તથા મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબની સગવડો ઉપલબ્ધ કરાવીને પ્રથમ તબક્કે ૩૦૦ બેડની અને કોલેજ પૂર્ણ થતાં ૫૦૦ બેડની સુવિધાવાળી હોસ્પિટલોનું પણ નિર્માણ થશે. આ કોલેજોમાં પ્રથમ વર્ષે ૧૦૦ બેઠકો પર પ્રવેશ અપાશે. 
   
રાજ્યના નર્મદા જિલ્લામાં રાજપીપળા (આકાંક્ષી જિલ્લો) ખાતે, નવસારી જિલ્લામાં નવસારી ખાતે તથા પોરબંદર જિલ્લાના પોરબંદર ખાતે કુલ-૩ નવી મેડીકલ કોલેજો માટે હયાત હોસ્પિટલોના માળખા-વ્યવસ્થાનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારના ધારાધોરણ મુજબ સૈધ્ધાંતિક મંજૂરી મળશે. વધુમાં રાજ્ય સરકારની બ્રાઉન્ડફીલ્ડ નીતિ અન્વયે કોઇ સંસ્થા આ પાંચ જિલ્લાઓ પૈકી કોઇપણ જગ્યાએ મેડીકલ કોલેજ બનાવવાની મંજૂરી માંગે તો તેને અગ્રીમતા અપાશે. કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ લેવા માટે રાજ્ય સરકાર એમ.ઓ.યુ. કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યનાં ૩૩ જિલ્લાઓ પૈકી ૧૯ જિલ્લાઓમાં કુલ-૨૯ મેડીકલ કોલેજો કાર્યરત છે. રાજ્યમાં આ ૫૦૦ બેઠકોનો વધારો થતાં હવે અંદાજીત ૬૦૦૦ થી વધુ બેઠકો તબીબી શિક્ષણ માટે ઉપલબ્ધ થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કચ્છના હરામીનાળામાંથી પાકિસ્તાનની 5 ફિશિંગ બોટ મળી, ઘૂસણખોરો ફરાર