આપણા ગુજરાતીઓ આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં છવાઈ ગયા છે. બોલિવૂડની ફિલ્મોમાં શંકર-જયકિશનની જોડીમાં પણ જયકિશન એક ગુજરાતી હતાં. જયારે કલ્યાણજી આનંદજી પણ મુળ ગુજરાતી સંગીતકાર હતાં. ત્યાર બાદ ઉત્તર ગુજરાતના સંગીતકાર ઈસમાઈલ દરબાર, હિમેશ રેશમિયા જેવા અનેક કલાકારોએ બોલિવૂડમાં પોતાનું નામ રોશન કર્યું છે. હવે એક નવા ગુજરાતના વતની અને અમદાવાદમાં જન્મેલા રુશિન દલાલ પણ સંગીતની દુનિયામાં પોતાનો પ્રભાવ પાડી રહ્યાં છે. તેમણે તાજેતરમાં જ ગુજરાતની એક અકસ્માતની ઘટના પર બનેલી ફિલ્મ રોંગ સાઈડ રાજુ નામની ફિલ્મમાં સંગીત આપ્યું છે.
તે સિવાય તેમણે મુંબઈમાં રહીને 200થી વધુ ટીવી કોમર્શિયલમાં તેમજ રેડીયો જીંગલમાં સંગીત આપ્યું છે. રૂશિન ભાઈએ webdunia સાથે વાત કરતાં કહ્યું હતું કે તેમણે ટીવી પર આવતી જાણીતી જાહેરાતો જેવી કે લાઈફબોય સાબુ, ટાટા સ્કાય, રીબોક, એરટેલ, નેસકેફે, આઈપીએલ, ટાટા નેનો, ઈન્ડિયન ઓઈલ, વિડિયોકોન, કોમ્પલેન જેવી અનેક જાહેરાતો સંગીતબદ્ધ કરી છે. તેઓ કલર્સ ચેનલના પ્રોમો, સ્ટાર ન્યૂઝ અને &ટીવીમાં પણ સંગીત આપે છે.
રૂશિન ભાઈએ ઉમેર્યું હતું કે તેમને બોલિવૂડની ફિલ્મમાં પ્રથમ બ્રેક રામગોપાલ વર્માએ આપ્યો હતો. આ ફિલ્મ 2008માં આવેલી કોન્ટ્રાક્ટ હતી.તેમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું હતું. ત્યાર બાદ તેમણે રજત કપૂર સાથે મિથ્યા ફિલ્મનો ટાઈટલ ટ્રેક તૈયાર કર્યો હતો. એક સમયે સૌથી વધુ લોકપ્રિય થયેલી દિબાકર બેનરજીની ફિલ્મ લવ સેક્સ ઓર ધોખામાં પણ તેમણે બેકગ્રાઉન્ડ સ્કોર કર્યો હતો. આ ફિલ્મમાં તેમને બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર માટે ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો.
રૂશિન ભાઈ કહે છે કે તેમણે રાજકુમાર હિરાણીની ફિલ્મ 3 ઈડિયટ્સમાં પણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું હતું. તે સિવાય THE ATTACKS OF 26/11 નામની ફિલ્મના ગીતો પણ કમ્પોઝ કર્યાં હતાં. હાલમાં તેઓ યશરાજ ફિલ્મની ટીવી સિરિઝ માહી વેમાં સંગીત આપી રહ્યાં છે. સોની સબ પર પ્રસારિત થતી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને ક્રિષ્ણાબેન ખાખરા વાલા નામની સિરિયલમાં સંગીત આપ્યું છે. હાલમાં રીલિઝ થયેલી ગુજરાતી ફિલ્મ રોંગ સાઈડ રાજુ એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં તેમની પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મનું સંગીત સમગ્ર ગુજરાતમાં હીટ થયું છે અને ફિલ્મ પણ લોકોને ખૂબ ગમી છે. આ ફિલ્મનું પ્રોડક્શન અનુરાગ કશ્યપની કંપની ફેન્ટમ પિક્ચર્સ દ્વારા કરવામાં આવ્યું છે.