સિદ્ધાર્થ રાંદેરિયા અને મનોજ જોશી અભિનિત ફિલ્મ ‘નટસમ્રાટ' 30 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં તેમની સાથે સીતાના રોલથી ફેમસ થયેલાં એક્ટ્રેસ દીપિકા ચિખલીયા ટોપીવાળા પણ જોવા મળશે. તેઓ આ ફિલ્મથી શો બિઝનેસમાં 25 વર્ષ બાદ પુનરાગમન કરી રહ્યાં છે.આ ફિલ્મ વિશે વાત કરતા સિદ્ધાર્થ રાંદેરિયાએ જણાવ્યું હતું કે, ‘મેં ‘નાટક અમારી દુનિયા તમારી દુનિયા' ભજવ્યું હતું. જેમાંથી મરાઠીમાં નટસમ્રાટ ફિલ્મ બની. મારા માટે આ ફિલ્મ કરવી ફરી એ નાટક જીવવા જેવી વાત છે.' નટસમ્રાટમાં નાના પાટેકર સાથે સરખામણી થશે તે વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે મને આ સરખામણીનો કોઇ જ ડર નથી. શા માટે આપણે એવું માનવું કે નાના પાટેકરે જે રોલ કર્યો તે જ શ્રેષ્ઠ છે અને તેનાથી આગળ કોઈ જઈ ન શકે. ‘મુઘલ એ આઝમ' શ્રેષ્ઠ ફિલ્મ છે પણ તેનાથી આગળ કોઇ ન જાય તેવું માનવું તો સાવ ખોટું છે. મેં એક એક્ટર તરીકે મારા કેરેક્ટરને ન્યાય આપવાનો પૂરતો પ્રયત્ન કર્યો છે. જો એક એક્ટર તેને જે આવડતું હોય તે બધું જ ફિલ્મમાં આપી દે તો તેણે રિટાયર થવાનો સમય આવી જાય. તેની પાસે કરવાનું બીજું કશું રહે નહીં.' ફિલ્મના તેમની લાઇફ સાથે કનેક્શન વિશે તેમણે જણાવ્યું હતું કે, ફિલ્મ એક્ટર અને થીએટર એક્ટર વચ્ચે ઘણો તફાવત હોય છે. તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે કહ્યું કે, ‘અત્યારે ફિલ્મ્સ બની રહી છે એ સારું છે. પણ, આપણે આપણી ફિલ્મ્સની કદર નથી કરી શક્યા. બીજી ભાષાઓમાં લોકો ફિલ્મ્સ જોવા લાઇનો લગાડે છે જ્યારે છ કરોડમાંથી 15 લાખ ગુજરાતીઓ ફિલ્મ જોવા જાય તે શરમજનક વાત છે. દીપિકા ચિખલિયા ટોપીવાળાએ કહ્યું કે, ‘હું એક એવા કેરેક્ટરની શોધમાં હતી કે જે મારા કમબેક માટે બેસ્ટ હોય. આ કેરેક્ટર મને મળ્યું અને મેં તે સ્વીકારી લીધું. આ એક ઇમોશનલ સ્ટોરી છે. જેને લોકો ખૂબ જ પસંદ કરશે.