ગુજરાતી ફિલ્મોમાં નોટબંધી બાદ ફરીવાર એક ગરમી પકડાઈ છે. તાજેતરમાં જ મિશન મમ્મી નામની ફિલ્મ રિલીઝ થઈ અને ત્યાર બાદ એવોર્ડ જાહેર થયાં, આ એવોર્ડમાં રોંગ સાઈડ રાજુ ફિલ્મ મેદાન મારી ગઈ. આખરે આટલી મોટી સફળતા બાદ આ ઈન્ડસ્ટ્રીમાં અગાઉની ફિલ્મોની જેમ કોઈ સફળ જોડી જામી નથી રહી. જેમકે નરેશ કનોડિયા, સ્નેહલતા, કિરણ કુમાર અરુણા ઈરાની, આવા કલાકારોની વાત થાય ત્યારે હાલની ફિલ્મોમાં એવો કોઈ કલાકાર નથી જેની જોડીએ દર્શકોના મન પર સ્થાન લીધુ હોય, ગુજરાતી ફિલ્મો એક સમયે નહોતી ચાલતી ત્યારે વિક્રમ ઠાકોર અને મમતા સોની, હિતેન કુમાર રોમા માણેક, હિતેન કુમાર કિરણ આચાર્ય, મોના થીબા જેવા કલાકારોએ મંદીના સમયમાં પણ લોકોના મન પર સ્થાન બનાવી લીધું હતું પરંતું આજે આટલા ઉહાપોહ વચ્ચે આવી કોઈ ખાસ જોડી દેખાતી નથી. તાજેતરમાં જ દે તાલી નામની ફિલ્મમાં લોકો સમક્ષ પોતાનો અભિનય પાથરનારી અભિનેત્રી કિરણ આચાર્યનું આ અંગે કહેવું છે કે હાલની ફિલ્મોમાં કોઈ કલાકાર રીપિટ થતો નથી. અગાઉના કલાકારોમાં કલા એક પૂજા હતી અને લોકો એકબીજામાંથી કંઈક શીખતા હતાં, પરંતુ આજે ફિલ્મોમાં કામ કરનારા લોકો પોતાને સ્ટાર સમજે છે. એક દ્રષ્ટિએ સ્ટાર હોવું અને કલાકાર હોવું એમાં ઘણો મોટો તફાવત છે. આજના લોકો ફિલ્મોમાં સારો અભિનય આપવા માટે સિરિયસ નથી, તે ઉપરાંત તેમનું રિપીટેશન પણ થતું નથી જેના કારણે તેઓ જોડી જમાવી શકતા નથી. આ અંગે હાલના ઉભરતા અભિનેતા સંજયમોર્યનું કહેવું છે કે હાલમાં નવા કલાકારો આવી રહ્યાં છે. આ કલાકારો એક ફિલ્મમાં આવ્યાં બાદ બીજી ફિલ્મમાં હશે કે કેમ એ એક મોટો સવાલ છે. મેં એક ફિલ્મમાં જે અભિનેત્રી સાથે કામ કર્યું તે બીજી ફિલ્મમાં મારી સાથે કામ કરશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. એટલે કદાચ સુપરહીટ જોડી ના બનવા પાછળનું મોટું કારણ આ હોઈ શકે.