500 અને 1000 રૂપિયાની નોટબંધીની અસર સમગ્ર દેશમાં પ્રવર્તિ છે. સરકારના આ નિર્ણયના કારણે ગુજરાતમાં અનેક ઉદ્યોગોને અસર થઈ છે. જેમાં ખાસ કરીને રીટેલ અને મોલ કલ્ચરને વધારે અસર થઈ હોવાનું જાણવા મળે છે. હાલનો તબક્કો આપણી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ માટે જબરદસ્ત તબક્કો હતો. એક પછી એક ફિલ્મ બનીને સિનેમા હોલમાં રિલીઝ થતી હતી.એક સમય હતો કે જ્યારે ગુજરાતી ફિલ્મ્સનાં 200 જેટલા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટ્સમાંથી અડધોઅડધ પ્રોજેક્ટ્સ બંધ થઈ ગયા છે. જે ફિલ્મ્સ બની રહી છે એને તૈયાર થવામાં પણ હવે પહેલાં કરતાં વધારે સમય લાગે એવી શક્યતા છે. કેટલાક લોકો આ સ્થિતિને સારી તો કેટલાક ખરાબ ગણાવી રહ્યા છે. અત્યાર સુધી ઘણી ફિલ્મ્સ એ રીતે બનતી કે જેમાં પ્રોડ્યૂસર એક બે કરોડ ઇન્વેસ્ટ કરે ફિલ્મ બનાવીને રીલિઝ કરવાનો ટાર્ગેટ રાખે. આ રીતે ટાર્ગેટ સાથે બનતી ફિલ્મ્સ પર પણ હવે બ્રેક લાગી છે. કેટલાક એક્સપર્ટ્સ એમ માની રહ્યા છે કે, ઘણાં એવા લોકો હતા કે જે આ ઇન્ડસ્ટ્રીમાં બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે આવ્યા હતા. આ લોકો ફિલ્મને કલા તરીકે જોવાને બદલે બિઝનેસ તરીકે જોતા હતા. ફિલ્મમાં કોમ્પ્રોમાઇઝ કરાતું હોવાને કારણે આ ફિલ્મો લોસ કરતી હતી. જેની ફિલ્મ પ્રોડ્યૂસર્સને ચિંતા નહોતી. કારણ કે તેમનાં બ્લેક મની વ્હાઇટમાં ફેરવાઈ જતા હતા! પરંતુ હવે સરકારે નોટબંધીનો નિર્ણય લીધા બાદએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ફળશે કે એનાથી ફટકો વાગશે એ સવાલ વિચારવા જેવો છે. આ અંગે ફિલ્મ માર્કેટિંગ કન્સલ્ટન્ટ ચેતન ચૌહાણ કહે છે કે એક સમય એવો હતો કે, જેમાં 10માંથી નવ ફિલ્મ્સ સારો બિઝનેસ નહોતી કરી શકતી. પણ, હવે સારી ફિલ્મ્સ આવવાની શક્યતાઓ વધી ગઈ છે. હવે આ સેક્ટર ઓર્ગેનાઇઝ્ડ થશે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ફિલ્ટરેશન પ્રોસેસ શરૂ થઈ હતી. અમને હતું કે, આ ફિલ્ટરેશન થતાં લગભગ બે વર્ષનો સમય લાગશે. પણ, ડિમોનેટાઇઝેશનને કારણે હવે આ પ્રોસેસ માત્ર બે મહિનામાં થઈ જશે એમ લાગી રહ્યું છે. પ્રોડ્યૂસર્સ ફરી ફિલ્મ્સ બનાવે એવી શક્યતા પણ વધી છે. જોકે, હજી આવનારા એક વર્ષ સુધી ડિમોનેટાઇઝેશનની ઇફેક્ટ જોવા મળશે.