ગુજરાતમાં ગુજરાતી ફિલ્મો જાણે મૃત:પ્રાય સ્થિતિમાં છે. પૂરતા પ્રમાણમાં દર્શકો મળતા ના હોવાથી નિર્માતા, દિગ્દર્શક અને ખૂદ કલાકારો તથા ઢોલીવુડ સાથે સંકળાયેલા સમગ્ર વર્ગ માટે અચ્છે દિન ભૂતકાળ બની ગયા છે. મરણપથારીએ પોઢેલા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને ખાસ પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે દર સપ્તાહમાં ગુજરાતી ફિલ્મના બે શૉ દર્શાવનાર સિનેમાગૃહોને ટિકિટદીઠ ચૂકવવાના થતા ટેક્સમાં રૂ. ૧૦થી લઈને ૧૪ સુધીની રાહત આપવાનો નિર્ણય કર્યો છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં લગભગ ૮૦ જેટલા મલ્ટિપ્લેક્સ થિયેટર અને ૧૬૦ જેટલા સિંગલ સ્ક્રીન સિનેમાગૃહો આવેલાં છે. ટીવી-મીડિયાના જમાનામાં જ્યાં હિન્દી ફિલ્મોએ પણ અસ્તિત્વ માટે ઝઝૂમવું પડે છે ત્યાં ગુજરાતી ફિલ્મોની દયનીય હાલત હોય તે સ્વાભાવિક છે. આ ઉદ્યોગને ઉગારવા માટે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાંથી ખાસ પ્રોત્સાહનની માગણી ઊઠી હતી.
રાજ્ય સરકારે આ માગણીને વાચા આપી હોય એમ અઠવાડિયામાં ગુજરાતી ફિલ્મના બે શૉ બતાવનાર સિનેમાગૃહો માટે વેરામાં રાહત જાહેર કરાઈ છે. જે મુજબ એરકન્ડિશન્ડ સિંગલ સ્ક્રીન થિયેટરના મલ્ટિપ્લેક્સ સિનેમા કે વિડિયો સિનેમાગૃહ માટે ટિકિટદીઠ રૂ. ૧૪ની વેરા રાહત અપાઈ છે. જ્યારે તમામ પ્રકારના નોન-એસી સિનેમાગૃહો માટે રૂ. ૧૦ની માફી અપાઈ છે.
જોકે, મલ્ટિપ્લેક્સ સિનેમાગૃહ સંચાલકે દરેક સ્ક્રીન પર ગુજરાતી ફિલ્મ દર્શાવવી ફરજિયાત છે. થિયેટરમાલિકોએ બે શૉ ગુજરાતી ફિલ્મ બતાવી હોવાના પુરાવા પણ રજૂ કરવાના રહેશે. તદુપરાંત શૉમાં મળેલી આવક માટે અલગ એકાઉન્ટ બનાવી તેમાં જમા રકમના હિસાબો ઓડિટ કરાવી સત્તાતંત્ર સમક્ષ રજૂ કરવાના રહેશે. એટલું જ નહીં, શૉ દ્વારા એકઠી થયેલી રકમમાંથી ૩૦ ટકા રકમ સિનેમાગૃહોમાં દર્શકોને સારી સુવિધા પૂરી પાડવા ઉપયોગમાં લેવાની શરત મૂકવામાં આવી છે.