ગુજરાતમાં હવે ગુજરાતી ફિલ્મોનો કોઈ ટોટો રહ્યો નથી. આજકાલ અનેક ફિલ્મો ફ્લોર પર છે અને અનેક ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે ફરીએક વાર નવી જ ગુજરાતી ફિલ્મ ફોડી લઈશું યારનું અમદાવાદની હયાત હોટલના લોકેશન ખાતે ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. ફોડી લઈશું યાર ફિલ્મ છેલ્લા 10 વર્ષથી વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલા અને ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયર તથા આસિસ્ટન્ટ પ્રોફેસર વિજય ચાવડાએ લખી છે. તેનું દિગ્દર્શન સત્યેન વર્માએ કર્યું છે. આ ફિલ્મના આસિસ્ટન્ટ દિગ્દર્શક રાકેશ શાહ છે.
આ ફિલ્મની વાત કરીએ તો તેમાં એક નવી અને તાજગીસભર કોમેડી છે. જે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના જીવનની આસપાસ ફરે છે. આ ફિલ્મમાં ચાર મિત્રોની વાર્તા છે. જે ગુજરાતના ચાર અલગ અલગ પ્રદેશમાંથી આવે છે. તેમની હોસ્ટેલ લાઈફ, કેમ્પસ લાઈફ, કલાસરૂમ, એક્ઝામ અને બાકીની લાઈફની વાત છે. આ ફિલ્મમાં રાજ અને સિમરનની લવસ્ટોરી પણ છે. ફિલ્મમાં અનેક રસપ્રદ મુદ્દાઓ છે જે ફિલ્મ જોવામાં મજા પડે એવા છે. આ ફિલ્મનું પ્રોડક્શન આસ્થા ફિલ્મ્સ તરફથી કરવામાં આવ્યું છે. આ અંગે ફિલ્મના આસિસ્ટન્ટ દિગ્દર્શક રાકેશ શાહે જણાવ્યું હતું કે આ ફિલ્મ એક એવી ફિલ્મ છે જે વિદ્યાર્થીઓની કોલેજ લાઈફ પર આધારિત છે.
એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓની લાઈફ કેવી હોય છે. તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. તે ઉપરાંત ફિલ્મમાં એક સારી લવસ્ટોરી પણ છે. પરંતુ ફિલ્મની મજા ત્યારે આવે છે જ્યારે ચારેય મિત્રો એક બાબતમાં ફસાઈ જાય છે. આ બાબતમાંથી કેવી રીતે બહાર નિકળવું તે અંગે તેઓ કહે છે કે છોડને ફોડી લઈશું યાર, બાકીની માહિતી હું આપું એના કરતાં ફિલ્મ જોવી ઉત્તમ રહેશે. મને એવો વિશ્વાસ છે કે આ ફિલ્મ જોયા બાદ દર્શકો ખુરશી પકડીને હસવાના છે. આ ફિલ્મનું સંગીત મનીષ ભાનુશાળીએ આપ્યું છે. તેમાં પાર્થિવ ગોહિલ, એશ્વર્યા મજમુદાર અને પાર્થ ઓઝાએ પોતાનો અવાજ આપ્યો છે. આ ફિલ્મના ગીતો પાર્થ ગોહિલે લખ્યાં છે. આ અંગે ફિલ્મના લેખક વિજય ચાવડા કહે છે કે ગુજરાતી સિનેમામાં યુવાનોની કથાવસ્તુ વાળી અનેક ફિલ્મો આવી ગઈ પણ આ ફિલ્મ એવી છે જે બીજી ફિલ્મો કરતાં તદદ્દન અલગ છે. કોલેજ લાઈફમાં મહાલતા યુવાનોની લાઈફ કેવી હોય છે. તેની વાત છે તેઓ ક્લાસ રૂમ, એક્ઝામરૂમ અને કેમ્પસમાં કેવી મસ્તી કરે છે. આ તમામ બાબતો આ ફિલ્મમાં આવરી લેવામાં આવી છે. ફિલ્મમાં ઘણા ટ્વિસ્ટ છે. દર્શકોને ચોક્કસ આ ફિલ્મ પસંદ પડશે.