છેલ્લા એકાદ વર્ષના ગાળામાં ગુજરાતી ફિલ્મોમાં પરિવર્તન દેખાઈ રહ્યું છે. લોકોને એક સમયે જે ફિલ્મો તરફ સૂગ હતી તે લોકો ગુજરાતી ફિલ્મો જોવા માટે સિનેમાહોલની બહાર ટિકિટ લેવા માટે લાઈનમાં ઉભા રહેતા જોવા મળે છે. તાજેતરમાં એવી ઘણી ફિલ્મો આવી જે પ્રાદેશિક ફિલ્મોમાં સુપરહીટ રહી. બે યાર અને કેવી રીતે જઈશ પછી સૌથી વધુ ચર્ચામાં રહેલી અને ત્યાર બાદ ગુજ્જુભાઈ ધ ગ્રેટ અને છેલ્લો દિવસ ચર્ચામાં રહી. ત્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં હાલમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે તે અંગે ખાસ ફિલ્મ નિષ્ણાંત પ્રો. કાર્તિકેય ભટ્ટ સાથે વાતચિત કરવામાં આવી.
કાર્તિકેયભાઈ આ અંગે કહે છે કે, થોડા સમયમાં મોટો ફેરફાર થાય અથવા તો પરિવર્તન આવે તેને લોકો ક્રાંતિ કહે છે. ત્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પણ મોટા પરિવર્તનો દેખાઈ રહ્યાં છે. જેસલ તોરલ નામની ફિલ્મ જ્યારે રીલિઝ થઈ હતી ત્યારે બ્લેક એન્ડ વ્હાઈટ રહેલી આપણી પ્રાદેશિક ફિલ્મોમાં ઘણા પરિવર્તનો જોવા મળ્યાં હતાં. ચુનીલાલ મડિયાની વાર્તા પરથી બનેલી લીલુડી ધરતી ફિલ્મથી આપણી ઈન્ડસ્ટ્રીઝ કલર ફિલ્મો આપતી થઈ ગઈ હતી.
તે પછી ફિલ્મોની ગુણવત્તા નબળી પડવા અંગે કાર્તિકેય ભાઈ કહે છે કે, પરંપરાગત લોકકથાઓ, લોકેશન, કોસ્ચ્યુમ અને એના એ જ કલાકારોથી કંટાળીને દર્શકો આપણી ફિલ્મોને જોવાનું ટાળવા માંડ્યાં. જેથી આ બધી માનસિકતાઓમાંથી મુક્ત કરવા માટેના પ્રયત્નો 80થી 90ના દાયકામાં કરવામાં આવ્યાં પણ તે ઘટનાઓને સાતત્ય ના મળ્યું,
અભિષેક જૈનની બે યાર અને કેવી રીતે જઈશ પછી છેલ્લો દિવસ જેવી ફિલ્મની મોટી સફળતાથી આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ખરેખર પરિવર્તનનો પવન ફૂંકાતો દેખાયો.1985 બાદ ગુજરાતના દર્શકો ગુજરાતી ફિલ્મોથી દુર થવા માંડ્યાં હતાં. 2006 બાદ વરસની 60 જેટલી ફિલ્મો બનવા માંડી. જેમાં મોટા ભાગની ફિલ્મો ગ્રામિણ પ્રજા માટે હતી. છેલ્લો દિવસ પછી હાલમાં 70 જેટલી ફિલ્મો ફલોર પર છે જે મોટાભાગે શહેરી વર્ગ માટેની છે.
ફિલ્મોના ટેકનિકલ પોઈન્ટ પર વાત કરતાં તેઓ જણાવે છે કે પહેલા ફિલ્મો સેલ્યુલોઈડ ફિલ્મ પર બનતી હતી. નિર્માતાઓ ખર્ચને કાબુમાં રાખવા 16 એમએમની રીલ પર ફિલ્મ શૂટ કરીને 35 એમએમની ફાઈનલ પ્રિન્ટ બ્લોઅપ કરાવતા. જેથી ફિલ્મની ગુણવત્તા જળવાતી નહોતી. 2006 બાદ આ પ્રક્રિયામાં પરિવર્તન આવ્યું, ડિઝિટલાઈઝેશનને કારણે ફિલ્મો ડાયરેક્ટ અનેક સિનેમાગૃહોમાં સેટેલાઈટ દ્વારા રીલિઝ કરી શકાય છે.
સરકારી સબસિડી અને કરવેરાની તો વાત બધાને ખબર જ છે પણ મલ્ટિપ્લેક્સ થિયેટરોમાં વધારો થયો તે પણ એક ક્રાંતિ જ છે. પહેલા ગામડામાં ફિલ્મો 10થી 15 રૂપિયામાં જોવાતી અને શહેરમાં 30 થી 40માં જોવાતી, હવે તેનો ભાવ ડબલ થઈ ગયો છે. કાર્તિકેય ભાઈ કહે છે કે કોઈ પણ પ્રકારની ક્રાંતિ સારા ફળ આપે એવું નથી હોતું, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જે પરિવર્તનનો પવન ફૂંકાયો તેણે ગુજરાતના ગામડાના અને ઓછા રૂપિયે ખરીદી કરી શકે તેવા લોકોને નુકસાન પહોંચાડ્યું છે. આજની ફિલ્મોમાં ગામડામાં રહેતો ગુજરાતી ચોક્કસ ભૂલાયો છે.