Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ઓસ્કારમાં મોકલવા માટે શોર્ટલિસ્ટ ફિલ્મોમાં એક ગુજરાતી ફિલ્મ

ઓસ્કારમાં મોકલવા માટે શોર્ટલિસ્ટ ફિલ્મોમાં એક ગુજરાતી ફિલ્મ
P.R
એ વાત તો અમે તમને પહેલા જણાવી દીધી કે ઓસ્કાર એવોર્ડની બેસ્ટ ફિલ્મ ઈન ફોરેન લેંગ્વેજની કેટેગરીમાં મોકલવા માટે ભારતની 17 ફિલ્મો શોર્ટ લિસ્ટ કરાઈ છે. આ 17 ફિલ્મોમાં 11 ફિલ્મો બોલિવૂડની તેમજ બાકીની ફિલ્મો પ્રાદેશિક ભાષામાં બનેલી છે. નવાઈની અને ગર્વની વાત તો એ છે કે આ પ્રાદેશિક ફિલ્મોમાં એક ફિલ્મ ગુજરાતી પણ છે. હા, 'વીર હમિરજી-સોમનાથની સખાતે' ફિલ્મને આ કેટેગરીમાં ભારતની એન્ટ્રિ તરીકે મોકલવા માટે શોર્ટ લિસ્ટ કરાઈ છે.

આ પહેલી ગુજરાતી ફિલ્મ છે જે ઓસ્કારમાં મોકલવા માટે શોર્ટલિસ્ટ કરાઈ છે. આ ગુજરાતી ફિલ્મ થિયેટરોમાં માત્ર 1 અઠવાડિયા સુધી જ ચાલી હતી.

આ ફિલ્મને વડોદરા સ્થિત માહી પ્રોડક્શન્સે બનાવી છે. ફિલ્મ ગુજરાતી યૌદ્ધા હમિરજી ગોહિલ પર આધારિત છે, જેમણે સોમનાથના મંદિરને બચાવવા માટે પોતાનો જીવ આપ્યો હતો. ફિલ્મના કો-પ્રોડ્યુસર અને લિડ એક્ટર મૌલિક પાઠકે કહ્યુ હતું કે, "આ પહેલી વાર બની રહ્યું છે કે ઓસ્કાર નોમિનેશન માટે ગુજરાતી ફિલ્મને શોર્ટ લિસ્ટ કરાઈ છે. આ ઈન્ડસ્ટ્રી માટે ગર્વની વાત છે. અમને આશા છે કે ફિલ્મ નોમિનેટ થાય અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને નવી શરૂઆત આપે. અત્યાર સુધી, લોકોને લાગતું હતું કે આ માત્ર અન્ય એક ઐતિહાસિક ફિલ્મ છે પણ શોર્ટલિસ્ટ થવાને કારણે ફિલ્મ માટેની દ્રષ્ટિ બદલાઈ છે."

આ ફિલ્મ માત્ર 1 કરોડના બજેટમાં બની છે. ડિસેમ્બર મહિનામાં આ ફિલ્મને યુએસમાં રિલીઝ કરવામાં આવશે અને ત્યાર બાદ અમદાવાદ, વડોદરા અને સુરતમાં ફરીથી રિલીઝ કરવામાં આવશે. મૌલિકના જણાવ્યા અનુસાર, ગુજરાત સરકારે અમને શાળાના બાળકોને ટિકીટમાં ડિસ્કાઉન્ટ આપવાની વિનંતી કરી છે જેથી તેમને ફિલ્મ જોવા માટે પ્રોત્સાહન મળે અને બહાદુર હમિરજી ગોહિલ વિશે જાણે.

હમિરજી ગોહિલ સૌરાષ્ટ્રના રાજપુત અને ગોહિલ સમાજના લેજેન્ડ છે. વેરાવળ સ્થિત સોમનાથ મંદિરની સામે તેમની યાદમાં એક સ્મારક પણ છે. ફિલ્મના મોટા ભાગના કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સ એમએસ યુનિવર્સિટીના એલ્યુમિનાઈ સભ્યો છે જ્યારે અમુક એક્ટર્સને મુંબઈથી સાઈન કરવામાં આવ્યા હતાં. પ્રોડક્શન હાઉસે એમએસ યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની હાલની બેચના અમુક વિદ્યાર્થીઓને પણ અમુક રોલ માટે સાઈન કર્યાં હતાં.

ભાગીરથ જોષી અને ચિંતન પાઠક સાથે મળીને ફિલ્મને પ્રોડ્યુસ કરનાર મૌલિકે આગળ જણાવ્યુ હતું કે, "દરેક ગુજરાતી ફિલ્મ વિશે એવી જ છાપ હતી કે આ પણ વધુ એક ચિલાચાલુ ફિલ્મ છે. પણ ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ થવાને કારણે ફિલ્મને અલગ જ બુસ્ટ મળશે. અમે દેશભરના દર્શકો માટે એક હિન્દી વર્જન પણ ડબ કરીને તૈયાર રાખ્યું છે." દિપક વ્યાસે ફિલ્મ બનાવવા માટે હમિરજીના જીવન પર સંશોધન કર્યું હતું જ્યારે દેવેશ શાહે ફિલ્મ લખી હતી. નિલેશ મોહિતે ફિલ્મનું ડાયરેક્શન સંભાળ્યુ હતું.

શોર્ટલિસ્ટ કરાયેલી આ 17 ફિલ્મોમાં 11 હિન્દી ફિલ્મો- પાન સિંહ તોમર, બરફી, કહાની, ધ ડર્ટી પિક્ચર, હિરોઈન, ગેન્ગ્સ ઓફ વાસેપુર-પાર્ટ 1,2 નો સમાવેશ થાય છે. આ ફિલ્મોને ગુજરાતી ફિલ્મ 'વિર હમિરજી-સોમનાથની સખાતે' સહિત એસ એસ રાજામૌલીની એગા દ્વારા તગડી ટક્કર મળશે.

Share this Story:

Follow Webdunia gujarati