માત્ર વાંસના ટુકડા (વાંસળી)થી વ્યક્તિના માનસમાં હકારાત્મક તરંગો ઉત્પન્ન કરી શકાય છે
, શુક્રવાર, 23 ઑગસ્ટ 2013 (12:37 IST)
પારંપરિક સંગીતના પ્રચાર માટે પુરુષાર્થ કરવો પડે છે બાંસુરીવાદન માટે આઈઆઈટીની નોકરી પણ છોડી દીધી!'
આજની સતત ભાગદોડવાળી જીંદગીમાં સંગીત એક એવું માધ્યમ છે, જે માનસિક તાણ ઘટાડી સ્વરના માધ્યમથી ઈશ્વર સુધી પહોંચાડવાનો ઉત્તમ માર્ગ બની શકે છે. માત્ર નવ છિદ્રોવાળા વાંસના ટુકડાથી વ્યક્તિના માનસમાં હકારાત્મક તરંગો ઉત્પન્ન કરી શકાય છે.' આ શબ્દો છે વિશ્વ વિખ્યાત બાંસુરીવાદક પં. હરિપ્રસાદ ચૌરસિયાના શિષ્ય હિમાંશુ નંદાના. હિમાંશુભાઈ છેલ્લાં ૧૩ વર્ષથી તેમના સહવાસમાં છે અને વર્તમાન રીમિક્સના જમાનામાં લોકોને પારંપરિક સંગીત પ્રત્યે રસ લેતાં કરવા માટે રાજકોટ આવ્યા છે. હિમાંશુભાઈએ જણાવ્યુ કે, આધુનિક યુગમાં લોકોની રહેણી કરણી અતિશય સ્ટ્રેસફુલ અને ઝડપી બની ગઈ છે, પરીણામે લોકોને રીમિક્સ અને ફાસ્ટ મ્યુઝિક વધુ પસંદ છે. જો કે, પ્રાચીન ભારતીય સંગીત તેમને તાણમુક્ત કરી, સ્વરના માધ્યમથી ઈશ્વર સુધી પહોંચાડવાનો એક અસરકારક રસ્તો છે. તેમણે જણાવ્યુ કે, અન્ય સંગીતવાદ્યોની સરખામણીએ બાંસુરી એક એવું વાદ્ય છે, જેનું સ્વતંત્ર વાદન ઘણી જ અસર ઉપજાવી શકે છે. માત્ર નવ છિદ્રોવાળા વાંસના એક ટૂકડા દ્વારા સૂરોના આરોહ-અવરોહની મદદથી વ્યક્તિના માનસમાં અનેક તરંગો ઉત્પન્ન કરી શકાય છે. આમ છતાં, આજના જમાનામાં બાંસુરી પ્રત્યે લોકોની રુચિ અતિશય ઘટી રહી છે. રાજકોટ ખાતે યોજાનારા વર્કશોપ માટે પણ રાજ્યભરના માત્ર ૧૨ સંગીતપ્રેમીઓએ રસ દાખવ્યો છે. ત્યારે પ્રાચીન સંગીત વારસાને જાળવી રાખવા માટે તેઓ બાંસુરીના વર્કશોપના માધ્યમથી પ્રયાસ કરતાં હોવાનું ઉમેર્યુ હતુ. હિમાંશુભાઈએ જણાવ્યુ કે, પાંચ વર્ષ સુધી પં. હરિપ્રસાદ ચૌરસિયા પાસેથી તાલીમ મેળવ્યા બાદ તેમણે જિવનમાં કંઈક ખૂટતું હોવાનો રંજ ગુરુજી સમક્ષ વ્યક્ત કર્યો. ત્યારે પં.હરિપ્રસાદ ચૌરસિયાએ તેમને બાંસુરીના માધ્યમથી લોકોમાં પ્રાચીન સંગીત પ્રત્યે જાગૃતિ ફેલાવવા જણાવ્યુ. પરિણામે, ત્યારથી હિમાંશુભાઈ તેમની મુંબઈ ખાતેની આઈઆઈટીની પાર્ટ ટાઈમ જોબ છોડી દઈને સંપૂર્ણપણે સંગીતને સર્મિપત થઈ ગયા!