વર્ષ ૨૦૧૬ને બાય બાય કરવા અને વર્ષ ૨૦૧૭ને આવકારવા યુવાઓ બેતાબ બન્યાં છે. વર્ષની અંતિમ રાત્રીની ઉજવણી કરવા યુવાઓએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. જો કે, નોટબંધીને લીધે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પાર્ટીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. તેમાંયે દારૃબંધી નાથવા કાયદાને લીધે દારૃના શોખિનોએ દિવ, ગોવા, માઉન્ટ આબુએ જઇને થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા નક્કી કર્યું છે.આ વર્ષ નોટબંધી-દારૃબંધીને લીધે નવા વર્ષ ઉજવણીની રંગત ફિક્કી પડી છે. આ વખતે અમદાવાદની સ્ટાર હોટલોમાં લાગવેગાસ, બ્લેક એન્ડ રેડ, બોલિવુડ જેવી વિવિધ થીમ બેઇઝ ડિનર ડાન્સ પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલીક પાર્ટીમાં કઝાકિસ્તાન રશિયાની બેલે ડાન્સર પણ બોલાવાઈ છે. ડીજેના સુરીલા સંગીત અને બેલે ડાન્સરની મારકણી અદા યુવાઓને મદમસ્ત બનાવી ડોલાવશે.દારૃબંધીના કડક કાયદાને પગલે ઘણાં આયોજકોએ તો પાર્ટી કરવાનું જ આ વર્ષે માંડી વાળ્યું છે. હોટેલોમાં બુકિંગ ઘણુ ઓછું છે. નોટબંધીની થર્ટી ફર્સ્ટની ઉજવણી પર અસર જોવા મળી રહી છે. પાર્ટીઓને આકર્ષિત બનાવવા ગઝલના કાર્યક્રમ ગોઠવાયાં છે. જેથી મોટી વયના લોકો પણ થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં સામેલ થઇ શકે. પશ્ચિમી સંસ્કૃતિની છાપ એવી શહેરીજનો પર છવાઈ છે કે, શ્રીમંતોના નબીરાં જ નહી હવે તો મધ્યમવર્ગના યુવાનોને પણ થર્ટી ફર્સ્ટની ઉજવણીનો ચસકો લાગ્યો છે.અમદાવાદ શહેરોની હોટલોમાં જ નહી, પણ ફાર્મ હાઉસોમાં પણ પાર્ટીઓ ગોઠવાઈ છે. આ વર્ષે આણંદના આસપાસમાં પોલીસની નજરને પગલે ઘણી ઓછી પાર્ટીઓ ગોઠવાઈ છે.
ગુજરાતમાં દારૃબંધીનો નવો કાયદો અમલી બન્યાં બાદ પોલીસની પાર્ટીઓ પર બાજનજર રહી છે. ખાસ કરીને 'વડોદરા'માં પાર્ટીમાંથી શ્રીમંતો, ઉદ્યોગપતિ પકડાયાં બાદ હવે લોકો પણ ચાલાક બન્યાં છે, હવે થર્ટી ફર્સ્ટની ખાનગી પાર્ટીઓને ગેટ ટુ ગેધર નામ આપી દેવાયું છે. ડોક્ટરો, બિઝનેસમેનોની ગુ્રપની પાર્ટીને 'ગેટ ટુ ગેધર'નું નામ આપી વર્ષની અંતિમ રાત્રીની ઉજવણી કરવા આયોજન કરાયુ છે.દારૃબંધીના નવા કાયદાનો અમલ થયાં બાદ દારૃની પરમીટ ધરાવતા લોકોની ડિમાન્ડ વધી છે. અમદાવાદ સહિત ગુજરાતમાં સ્ટાર હોટલોમાંની લિકર શોપમાંથી પરમીટ ધારકોએ વિવિધ બ્રાન્ડની શરાબ ખરીદી હતી. વર્ષની અંતિમ રાત્રીને મનાવવા પરમીટ ધારકોએ આગોતરા આયોજનના ભાગરૃપે ૩૦મીએ દારૃની ખરીદી કરી હતી. પરિણામે અમદાવાદની હોટલોની લિકર શોપ પર ભીડ જામી હતી. ઘણાં પરમીટ ધારકો સાથે જ મહેફિલ ગોઠવવાનો મેળ પાડયો હતો.