'વાશોઈ, વાશોઈ' ના સૂત્રોચ્ચાર કરતા કેટલાક લગભગ નગ્ન યુવાનો મંદિર તરફ જઈ રહ્યા છે. જાપાનીઝ ભાષામાં વાશોઈનો અર્થ ચાલો જઈએ એવો થાય છે.
હડાકા માત્સુરી કે ન્યૂડ ફેસ્ટિવલ મધ્ય જાપાનમાં આવેલા કોનોમિયાના મંદિર નજીક યોજાય છે. તે છેલ્લાં 1250 વર્ષથી યોજાય છે. પરંતુ આ વખતે તેમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે.
મંદિર તરફ જઈ રહેલા આ પુરુષોની પાછળ એક મહિલાઓનું ટોળું પણ જઈ રહ્યું છે. તેઓ જાણે છે કે અહીં આવીને તેઓ ઇતિહાસ રચી રહ્યાં છે.
આ પ્રકારના પરંપરાગત પુરુષપ્રધાન ઉત્સવોમાં મહિલાઓ માટે ભાગ લેવો અઘરો છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા ગત વર્ષે જાહેર કરવામાં જેન્ડર ગેપ ઇન્ડેક્સ અનુસાર 146 દેશોમાંથી જાપાનનો ક્રમ 125મો છે.
એટલે એ સ્પષ્ટ છે કે જાપાનમાં મહિલાઓનું સ્થાન સમાજમાં ઘણું પછાત છે, મહિલાઓ મૌન છે.
આસુકો તામાકોશી કહે છે, “પહેલા મહિલાઓ આ ફેસ્ટિવલમાં પુરુષો સાથે ભાગ લેતાં ખચકાતી હતી.” આસુકોનો પરિવાર પેઢીઓથી આ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહ્યો છે.
દુષ્ટ આત્માઓથી બચવા માટે ભગવાનને પ્રાર્થના કરવા માટે પુરુષો આ તહેવારમાં ભાગ લે છે. પરંતુ ભૂતકાળમાં મહિલાઓએ ક્યારેય વિચાર્યું ન હતું કે તેઓ તેમાં ભાગ લઈ શકશે.
જોકે, નારુહિતો સુનોડા કહે છે કે એવો નિયમ ક્યાંય લખાયેલો નથી કે મહિલાઓ આ ફેસ્ટિવલમાં ભાગ ન લઈ શકે. પરંતુ મહિલાઓને ક્યારેય ભાગ લેવા માટે કહેવામાં આવ્યું નથી.
તેમણે રોઇટર્સ સમાચાર ઍજન્સીને કહ્યું કે, “આ એ ફેસ્ટિવલ છે જે તમામને ખુશીઓ આપે છે. જો મહિલાઓ તેમાં ભાગ લેશે તો આ ફેસ્ટિવલમાં વધુ આનંદ આવશે.”
મહિલાઓનું અહીં શું કામ છે?
જોકે, બધાં મહિલાઓ આ ફેસ્ટિવલમાં ભાગ લેવા ઇચ્છે છે તેવું પણ નથી.
56 વર્ષીય મહિલા તામાકોશી કહે છે, “ઘણા લોકો એવી દલીલો કરે છે કે પુરુષોના ફેસ્ટિવલમાં મહિલાઓનું શું કામ છે. આ પુરુષોનો ફેસ્ટિવલ છે. મહિલાઓનું એમાં શું કામ છે?”
તેઓ કહે છે, “પરંતુ આમ જોવા જઈએ તો આ વાતમાં અમારી વચ્ચે કોઈ ફર્ક નથી. ભગવાન અમારી પર પણ દયા કરશે.”
ઘણી મહિલાઓ આ ફેસ્ટિવલમાં ભાગ લેવા તૈયાર છે. જોકે, તેઓ સંપૂર્ણપણે નગ્ન બનીને તેમાં ભાગ લેવા ઇચ્છતાં નથી.
આ તમામ મહિલાઓ જાંબલી રંગના હેપી કોટ્સ પહેરશે. હેપી કોટ્સ એ લાંબો જેકેટ જેવો ડ્રેસ છે જેને મહિલાઓ પહેરે છે. પુરુષો જે લંગોટી પહેરે છે તેનો આ શોર્ટ્સ વિકલ્પ છે. તેઓ પુરુષો પાછળ આ ડ્રેસ પહેરીને ચાલી રહ્યાં છે અને તેમના ખભે વાંસની લાકડી છે.
જોકે, મહિલાઓ આ મંદિરના પરિસરમાં પ્રવેશતાં નથી પરંતુ પુરુષોની સાથે જઇને તેમની મારફત દેવતાને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે.
જાપાની લોકો માને છે કે ફક્ત પુરુષોએ જ દેવીને સ્પર્શ કરવો જોઈએ, પછી દુષ્ટ આત્માઓ ભાગી જશે.
ફેસ્ટિવલ છેલ્લી વાર યોજાઈ રહ્યો છે
મહિલાઓ દેવતાને સ્પર્શ કરતાં નથી પરંતુ આ ફેસ્ટિવલમાં તેઓ ભાગ લેશે તો તેનાથી શું આ પરંપરાનું મહત્ત્વ ઘટી જશે? આ વાતને મહિલાઓ નકારે છે.
યુમિકો નામના મહિલાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, “સમય બદલાઈ ગયો છે. આ ફેસ્ટિવલમાં ભાગ લેતાં મને અત્યંત જવાબદારીનો અનુભવ થાય છે.”
તેઓ કહે છે કે આ ફેસ્ટિવલમાં ભાગ લઇને મહિલાઓ માત્ર જેન્ડર ગેપની પરિસ્થિતિને જ પડકારી રહી છે તેવું નથી પરંતુ તેઓ આ પરંપરાગત ફેસ્ટિવલને પણ જીવંત બનાવી રહી છે.
ઉત્તર જાપાનના કોકુસેકી મંદિર ખાતે આ અઠવાડિયે યોજાનારો ન્યૂડ ફેસ્ટિવલ છેલ્લો હોઈ શકે છે. આયોજકો કહે છે કે આ ફેસ્ટિવલને ચાલુ રાખવા માટે પૂરતા યુવાનો પણ નથી.
જાપાનમાં વિશ્વમાં સૌથી ઝડપથી વૃદ્ધ થઈ રહેલો દેશ છે. ગત વર્ષે 10માંથી એક વ્યક્તિ 80 કે તેથી વધુ વયની હતી.
આ ઉપરાંત, જાપાની મહિલાઓમાં જન્મ દર પણ ઓછો છે. દરેક જાપાની મહિલા માત્ર 1.3 બાળકોને જન્મ આપે છે. ગયા વર્ષે માત્ર 8 લાખથી વધુ બાળકોનો જન્મ થયો હતો.
કેટલાક મહિલાઓનું કહેવું છે કે આ ફેસ્ટિવલની સાથે મહિલાઓ માટે મંદિરમાં પ્રવેશવાનો સમય પણ હવે આવી ગયો છે.
અમે ખૂબ ઉત્સાહિત છીએ'
મહિલાઓ ખભા પર વાંસનો મોટો દંડ લઈને બે હરોળમાં ઊભાં છે.
આસુકો તામાકોશી ટીમનું નેતૃત્વ કરે છે અને તે સીટી વગાડે છે. સ્ત્રીઓને એવા મંત્રો જપવા માટે તેઓ પ્રોત્સાહિત કરે છે જે અગાઉ ફક્ત પુરુષો દ્વારા જપવામાં આવતા હતા. તેમની પાછળની મહિલાઓ 'વશોઈ, વશોઈ' બૂમો પાડી રહી છે.
આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે મહિલાઓ અઠવાડિયાથી તાલીમ લઈ રહી છે. તેમની એવી કટિબદ્ધતા છે કે આમાં કોઈ ભૂલ ન થવી જોઈએ.
તેઓ જાણે છે કે આ વખતે મીડિયા અને હાજર દર્શકોની તમામ નજર તેમના પર રહેશે. તેથી જ એવું લાગે છે કે તેઓ ખૂબ જ ઉત્સાહથી હસી રહ્યાં છે, પરંતુ હકીકતમાં અંદર ઉત્સાહ અને ચિંતા પણ હોય છે.
અંતે તેઓ કોનોમિયા શિંટો મંદિરમાં પ્રવેશે છે. કેટલાક લોકોએ તેમના પર પુરુષો પર છાંટવામાં આવે છે તેવું જ ઠંડુ પાણી છાંટ્યું. આનો મતલબ એવો થાય છે કે તેનાથી તેમને વધુ ઊર્જા અને ઉત્સાહ મળે છે.
ત્યાં ભગવાનને નૈવેદ્ય અર્પણ કર્યા બાદ સમારોહ ઉત્સાહભેર સંપન્ન થયો હતો.
એ પછી બધાએ એકબીજાને ગળે લગાડીને આનંદ વ્યક્ત કર્યો. દર્શકોએ પણ તેમની પ્રશંસા કરી.
મિચિકો ઇકાઇ નામનાં મહિલાએ કહ્યું, "તેનાથી મને આંસુ આવી ગયા."
આમાં સામેલ મહિલાઓ મીડિયાને ફોટોગ્રાફ અને ઇન્ટરવ્યૂ આપતાં જોવા મળ્યાં હતાં. તેમણે મીડિયા સાથે પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક વાત કરી.
મિનેકો અકાહોરી નામની મહિલાએ બીબીસીને કહ્યું, "આખરે મેં આ અનોખું કામ કરી લીધું છે. હું ખૂબ જ ખુશ છું. હું પહેલીવાર એક મહિલા તરીકે ભાગ લઈ શકી છું."