હિન્દુ સંગઠન 'બાંગ્લાદેશ સમિત સનાતની જાગરણ જોતે' એક નિવેદનમાં કહ્યું છે કે વકીલ સૈફુલ ઈસ્લામની હત્યામાં કોઈ સનાતની સામેલ નથી. સમૂહ આયોજિત હત્યાને અંજામ આપીને સનાતનીઓને દોષી ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હિન્દુ સંગઠને ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની તાત્કાલિક બિનશરતી મુક્તિ અને ચટગાંવ હિંસાની ન્યાયિક તપાસની માંગ કરી છે.
બાંગ્લાદેશી મીડિયાના અહેવાલો અનુસાર, મંગળવારે સુરક્ષાકર્મીઓ અને હિન્દુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસના સમર્થકો વચ્ચે અથડામણ દરમિયાન એક વકીલનું મોત થયું હતું. બાંગ્લાદેશની લો એન્ફોર્સમેન્ટ એજન્સીએ 25 નવેમ્બરના રોજ રાજદ્રોહના આરોપમાં ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કરી હતી.
બાંગ્લાદેશની કોર્ટે મંગળવારે તેને જામીન આપ્યા ન હતા અને તેને જેલમાં મોકલી દીધો હતો. આ પછી ચિન્મય દાસના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા અને હિંસક દેખાવો શરૂ કર્યા. બાંગ્લાદેશના અગ્રણી અખબાર ડેઈલી સ્ટારના જણાવ્યા અનુસાર સુરક્ષાકર્મીઓ સાથેની અથડામણ દરમિયાન પત્રકારો સહિત ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા છે.