G7 countries now ban Russian rough
હવે G7 દેશોએ પણ રશિયાની રફ પર પ્રતિબંધ મૂક્યો છે, જેથી સુરતના ઉદ્યોગ પર મોટી અસર થશે. ખાસ કરીને કારખાના બંધ થવાની ભીતિ છે, જેથી બેરોજગારી વધશે. યુક્રેનના યુદ્ધ બાદ રશિયામાં ઉત્પાદિત થતી વસ્તુઓનો ઉપયોગ અમેરિકા સહિતનાં દેશોએ બંધ કર્યો છે. હવે G7 દેશોએ 1 જાન્યુઆરીથી રશિયાની રફ સામે અને 1 માર્ચથી પ્રોસેસ કરાયેલા હીરા સામે પ્રતિબંધ મૂક્યો છે.
G7 દેશોને શંકા છે કે, રશિયા રફના વેચાણ બાદ જે આવક થાય છે તેનો ઉપયોગ યુદ્ધ માટે કરે છે. જેથી આ રફ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના કારણે સુરતની ડાયમંડ ઈન્ડસ્ટ્રી પર આડકતરી અસર થશે કારણ કે, ભારતમાં જેટલી રફની આયાત થાય છે તેમાંથી અંદાજે 35 ટકા રફ રશિયાની હોય છે. અને ભારતમાં મુખ્યત્વે સુરતમાં જ હીરા પોલિશ થાય છે. રફની આયાત અટકવાથી સુરતના કારખાનાં બંધ થશે અને અનેક રત્નકલાકારો બેરોજગાર થશે. બીજી તરફ રશિયાની રફ પર પ્રતિબંધ મૂકાતાં અન્ય દેશમાં રફનું ઉત્પાદન કરતી કંપનીઓ શોર્ટ સપ્લાયનો લાભ લઈને ભાવ વધારશે. જીજેઈપીસીના ચેરમેન વિજય માંગુકિયાએ કહ્યું હતું કે, નવા વર્ષથી જી7 દેશો દ્વારા રશિયાની રફ પર પ્રતિબંધ મુકવામાં આવશે. સામાન્ય રીતે પતલી સાઈઝની રફ રશિયાથી આવતી હોય છે. ભારતમાં આવતી કુલ રફમાંથી અંદાજીત 30થી 35 ટકા રફ રશિયાથી મંગાવવામાં આવે છે. રશિયન રફ પર પ્રતિબંધ મુકવાથી હીરા ઉદ્યોગ પર મોટી અસર થશે.