આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને દિલ્હી પોલીસે મુક્ત કર્યા છે. તેમને ઓખલા ઈન્ડસ્ટ્રીયલ એરિયા પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. મહિલા આયોગની ઓફિસમાંથી ગુરૂવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડીમાંથી છૂટ્યા બાદ ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપ પાટીદારોને નફરત કરે છે. એટલા માટે મને નિશાન બનાવવામાં આવી રહ્યો છે.
ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયા ગુરૂવારે દિલ્હીમાં NCW ના સમન્સ પર પહોંચ્યા હતા. જ્યાં દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટી સતત વિકાસ કરી રહી છે અને લોકોનું સમર્થન મેળવી રહી છે તેનાથી ભાજપ ગભરાઈ ગઈ છે અને ખોટા આરોપો લગાવી રહી છે. તે જૂના વીડિયો ઉતારીને અમને બદનામ કરી રહી છે, અમને ડરાવવા માંગે છે, જેનાથી અમે ડરતા નથી. કોંગ્રેસ તરફથી પણ આવા ઘણા વીડિયો સામે આવી રહ્યા છે. આવા ઘણા વીડિયો પણ ભાજપના ખોટા છે. અમે લડીશું, આગળ વધીશું અને જીતીશું.
ઇટાલિયાએ વધુમાં કહ્યું કે, 'ભાજપ ગુજરાતમાં પાટીદારોને નિશાન બનાવી રહી છે. તેમને બદનામ કરવા માંગે છે. હું પાટીદાર સમાજમાંથી આવું છું તેથી મને નિશાન બનાવી રહ્યો છે. આવું નહીં થાય. આ વખતે ભાજપને જડબાતોડ જવાબ મળશે.
ઈટાલિયાની મુક્તિ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે ટ્વીટ કર્યું કે ગુજરાતના લોકોના ભારે દબાણને કારણે તેમણે ગોપાલ ઇટાલિયાને છોડવા પડ્યા છે. ગુજરાતની જનતા જીતી ગઈ. આ પહેલા જ્યારે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો ત્યારે કેજરીવાલે ટ્વીટ પણ કર્યું હતું. તેણે લખ્યું કે, 'આખી ભાજપ ગોપાલ ઈટાલિયા પાછ્ળ કેમ પડી છે?'