બુધવારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને હાર્દિક પટેલ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં સંયોજક સી.કે. પટેલે જણાવ્યું હતું કે, સરકારે પાટીદારોની ચાર માગણીઓ સ્વીકારી લીધી છે. અત્યારે હાર્દિક જે આંદોલન કરી રહ્યો છે તે તેનું પ્રાઇવેટ અનામત આંદોલન છે. તે સમાજના યુવાનોને ગુમરાહ કરી રહ્યો છે, તેની પાછળ કોંગ્રેસનો ટેકો છે. સી.કે. પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ સમાજને મહોરું બનાવીને તેની ઇમેજ ઓછી કરી રહ્યો છે. તે પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યો છે. પરંતુ સમાજ એને નહીં સ્વીકારે હાર્દિક પટેલના આંદોલનમાં આજે પણ જે ભીડ ભેગી થાય છે
તેનું મુખ્ય કારણ એ છે કે સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા સમાજ સુધી સાચો પ્રચાર થતો નથી. સમાજના ગુમરાહ થયેલા પાટીદાર યુવાનોને પાછા લાવવા માટે સમાજ દ્વારા વિવિધ પ્રયત્ન કરવામાં આવશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને આજે છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી પાટીદાર અનામતની માંગણીના આંદોલનને બંધ કરવાની જાહેરાત કરી બંધારણીય રીતે પાટીદારોને ઓબીસીમાં અનામત આપવાની લડત ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસને આડકતરી રીતે ધમકી આપતાં જણાવ્યું હતું કે, પાટીદાર મસાજને અંદરોઅંદર લડાવવાનો ધંધો બંધ કરો. સમાજને ગેરમાર્ગે ન દોરો. પાટીદાર સમાજમાં સૌથી મોટો પ્રશ્ન સમાજિક સમરસતાનો છે. આ સમરસતા જાણવી રાખવા માટે પાટીદારોની વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે.