24 એપ્રિલ 2007માં સોહરાબ કેસમાં ધરપકડ બાદ આઠ વર્ષ જેલમાં અને એક વર્ષ મુંબઈમાં રહ્યાં બાદ નિવૃત આઈપીએસ ડી. જી. વણઝારાનો આ ગતવર્ષે એપ્રિલ મહિનામાં જ ગુજરાત પ્રવેશ થયો હતો. તે જ સમયે વણઝારાએ હુંકાર કરી દીધો હતો કે, 'હું નિવૃત થયો છું પરંતુ થાક્યો નથી. મારા જીવનની એક ઇનિંગ પુરી થઇ છે. જિંદગીનો અસલી દાવ આજથી શરૂ થાય છે. અત્યાર સુધી મેં અને મારા પોલીસ અધિકારીઓએ ફિંલ્ડીંગ ભરી છે. હવે હું બેટિંગ કરીશ.'
ગુજરાત પોલીસમાં વર્ષો સુધી સેવા આપી ચૂકેલા અને એન્કાઉન્ટરના વિવાદમાં 8 વર્ષનો જેલવાસ ભોગવી ચૂકેલા ડી.જી.વણઝારા દ્વારા આજે વિશાળ રોડ શોનું આયોજન કરાયું છે. સવારે શહેરના જગન્નાથ મંદિરમાં પૂજા કરીને વણઝારાએ રેલીની શરૂઆત કરી હતી. ઉલ્લેખનિય છે કે, 10 વર્ષ પહેલાં આજના જ દિવસે નકલી એન્કાઉન્ટર કેસમાં વણઝારાની ધરપકડ થઈ હતી. રેલીમાં બાઈક અને ડીજે સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ભગવા સાફા સાથે હાજર રહ્યાં છે. સવારે જગન્નાથ મંદિરેથી નીકળેલી રેલી જમાલપુર દરવાજા, કાલુપુર બ્રીજ, સરસપુર ચાર રસ્તા, ચામુંડા બ્રીજ, સિવિલ હોસ્પિટલ, રાજસ્થાન હોસ્પિટલ, સુભાસ બ્રીજ, ગાંધી આશ્રમ, ઉસ્માનપુરા, સી.જી. રોડ, પરિમલ અન્ડર પાસ, પાલડી, સરદાર બ્રીજ થીને ટાઉન હોલ ખાતે પૂરી થશે.