પૂ.મહંત સ્વામીએ હાથ પકડયો છે,હવે મારે કોઈ ચિંતા નથી - નરેન્દ્ર મોદી
, શુક્રવાર, 3 નવેમ્બર 2017 (11:58 IST)
વિશ્વ વંદનીય સંત વિભૂતિ પૂજય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા ગુજરાતની રાજધાની ગાંધીનગર ખાતે બનાવામાં આવેલા સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના રપ વર્ષ પુર્ણ થતાં હોવાથી ઉજવવામાં આવતાં રજતજયંતિ મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે બી.એ.પી.એસ. સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, અન્ય મંત્રીઓ તથા ૨૫૦૦૦ કરતાં વધુ ભક્તો - ભાવિકોની હાજરીમાં આ ઉત્સવ શાનદાર રીતે ઉજવાયો હતો. મોદીએ કહ્યું હતું કે, 'ગુજરાત અને દેશની સાથે સમાજની ચિંતા તો પ્રમુખસ્વામી મહારાજે કરી છે પણ મારી વ્યક્તિગત ચિંતા પણ તેમણે કરી છે.' સેવા અને સંગઠન સાથે જોડાયેલા આ સંપ્રદાયના 'પૂ.મહંતે મારો હાથ પકડયો છે હવે મારે શું ચિંતા હોય' તેમ કહીને નરેન્દ્ર મોદીએ વિરોધીઓને સૂચક જવાબ આપી દીધો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અક્ષરધામ ખાતે આવીને મયુરદ્વારનું ઉદ્ઘાટન કર્યું હતું અને શ્રી નીલકંઠવર્ણીનો અભિષેકવિધિ કરીને મંગલમય પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મહાનુભાવો મુખ્ય સભામાં પધારતાં સભામાં ઉપસ્થિત ૨૫૦૦૦ કરતાં વધુ ભક્તો - ભાવિકોએ તાળીઓના નાદ એ બી.એ.પી.એસ. સંસ્થા તથા ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવીને પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકાર્યા હતા. મહાનુભાવોએ અક્ષરધામની ૨૫ વર્ષીય આધ્યાત્મિક ગાથા રજૂ કરતો 'અક્ષરધામ સનાતનમ્' લાઇટ અને લેસર શો નિહાળ્યો હતો. આ શો દ્વારા અક્ષરધામનો ૨૫ વર્ષિય ઇતિહાસ, અક્ષરધામ દ્વારા થયેલાં જીવન પરિવર્તન, અક્ષરધામ દ્વારા થતી સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ, અક્ષરધામનો અધ્યાત્મિક પ્રભાવનું દર્શન કરાવવામાં આવ્યું હતું. અક્ષરધામ મહામંદિરમાં ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં તેમજ પ્રમુખસ્વામી મહારાજને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અહીંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ હરિભક્તોને 'જય સ્વામિનારાયણ' કહીને પોતાના વકતવ્યની શરૃઆત કરતાં કહ્યું હતું કે, જ્યારથી સમજણો થયો ત્યારથી સ્વામીનારાયણ પરંપરા સાથે સંકળાયેલો છું, પુજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાથે નીકટતાં કેળવવાનો મને મોકો મળ્યો છે ત્યારે ધર્મમાં ચમત્કાર હોય છે પણ આ પરંપરાએ ચમત્કાર વગર સામાજીક વિકાસની નવી રીત શરૃ કરી છે. પ્રમુખસ્વામી મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયનો ફેલાવો થાય તે દિશામાં નહીં પરંતુ સામાજીક જીવન શુદ્ધ અને પવિત્ર બનવાની સાથે સંપ્રદાયના ઉંચાઇ તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. તેમણે પથ્થર, ચુનો અને માટીથી ફક્ત આ ઇમારત નથી બનાવી પરંતુ અક્ષરધામ મહામંદિરનું નિર્માણ કર્યું છે. અહીં સામાજીક ચેતના પણ તેમણે ઉભી કરી છે. ધર્મમાં તેમણે હિંમતભેર નવું કરવાના પડકારને ઝીલી દેશ જ નહીં પરંતુ વિદેશમાં પણ અક્ષરધામ બનાવ્યા છે. જે ઉત્તમ વ્યવસ્થાના અને આધુનિક ટેકનોલોજીના પણ નમૂના રૃપ છે. આધુનિકતા અને દિવ્યતાના અનુપમ સંયોગને અક્ષરધામ સાથે જોડીને તેમણે એ પણ કહ્યંુ હતું કે, હાઇફાઇવ ટેકનોલોજી સાથે અઢારમી સદીના નિયમોનું સંતો અહીં પાલન કરે છે. અક્ષરધામ ઉપરાંત તેમણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વિશેવધુમાં કહ્યું હતું કે, વર્ષ ૧૯૯૨માં જ્યારે તેઓ શ્રીનગરના લાલ ચોકમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવવા ગયા હતા ત્યારે આતંકી હુમલો થયો હતો અને પાંચ થી છ વ્યક્તિ શહીદ થયા હતા તે વખતે પ્રમુખ સ્વામી મહારાજના તેમના ઉપર અડધો ડઝન જેટલા ટેલીફોન આવ્યા હતાં અને ભારત અને ગુજરાતની નહીં પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ તેમની પણ વ્યક્તિગત એક દિકરાની જેમ ચિંતા કરતાં હોવાનું તેમણે કહ્યું હતું. એટલું જ નહીં ખોટી બાબતો અંગે તેમને બોલાવીને મીઠો ઠપકો પણ પ્રમુખ સ્વામી મહારાજ આપતા હતાં. ત્યારે સેવા અને સંગઠન સાથે સંકળાયેલા આ સંપ્રદાયના આધ્યાત્મિક વડા પુ. મહંત સ્વામીનો મંદિરમાં ભગવાન સ્વામિનારાયણની પુષ્પાંજલિ વખતે હાથ પકડયો હતો. તે વિશે નરેન્દ્ર મોદીએ એમ કહ્યું હતું કે, પુ.મહંત બાપાએ જ મારો હાથ પકડયો છે ત્યારે મારે ચિંતા શું ?.આમ કહીને નરેન્દ્ર મોદીએ વિરોધીઓને સુચક જવાબ આપી દીધા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
આગળનો લેખ