અમદાવાદમાં મોબાઈલમાં ગેમ રમતા લોકો અવાર નવાર જોવા મળે છે. પબજી, લુડો જેવી ગેમ ગૃપમાં એક સાથે બેસીને રમતાં લોકો પણ જોવા મળે છે. ત્યારે આ ગેમ રમતાં રમતાં કેટલીક વખત નાની બાબતો મોટી અદાવતનું સ્વરૂપ બની જાય છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં એક વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે રાત્રે મોબાઈલમાં લુડોની ગેમ રમતાં મિત્રે સાથે તે ગેમ રમતો હતો ત્યારે મિત્રોમાંથી એક મિત્રએ અચાનક જ મારા મારી શરૂ કરી હતી અને લાકડીથી મારતાં પગ, હાથ અને બરડાના ભાગે ઈજા પહોંચાડી હતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે નવરંગપુરા વિસ્તારમાં રહેતાં ફૈઝલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે જ્યારે મોડી રાત્રે સવા બે વાગ્યાના અરસામાં તેના ઘરેથી ચાલતો ચાલતો અલડોરાલ્ડો હોટેલ પાસે આવ્યો હતો. ત્યારે તેના મિત્રો સાહિલ, મોહમદ કાગજી અને મોઈસ શેખ મોબાઈલમાં લુડો ગેમ રમતાં હતાં. ત્યારે તે પણ તેમની સાથે ગેમ રમવા બેસી ગયો હતો. આ સમયે નઈમખાન પઠાણે ફૈઝલને કહ્યું હતું કે, તારે ગેમ રમવી હોય તો શાંતિથી રમવાની એમ કહીને છાતી પર જોરથી પાટુ માર્યું હતું. ઝગડો વધીના જાય તે માટે બીજા મિત્રો વચ્ચે પડ્યાં હતાં.
ત્યાર બાદ નઈમખાન બાજુમાંથી પત્થર ઉઠાવીને ફૈઝલ પાસે આવ્યો હતો અને ગાળાગાળી કરીને ફૈઝલના મોંઢા પર ફેંટ મારી દીધી હતી. ત્યાર બાદ નઈમખાન તેના ઘરે જતો રહ્યો હતો અને ફૈઝલ મિત્રો સાથે કોફી પીવા ગુજરાત કોલેજ પાસે આવ્યો હતો. આ દરમિયાન નઈમનો ફોન બીજા મિત્રો પર આવ્યો હતો કે ફૈઝલને લઈને હોટેલ પાસે આવો. ત્યારે મિત્રો મને ઘરે મુકી ગયા હતાં. ત્યાર બાદ ઘરેથી ફૈઝલ તેનું એક્ટિવા લઈને હોટેલ અલ ડોરાલ્ડો પાસે ગયો હતો. ત્યાં નઈમ ખાને ફૈઝલને લાકડાના દંડાથી માથામાં ફટકો માર્યો હતો. તે ઉપરાંત બરડામાં અને પગના ભાગમાં પણ ફટકા માર્યા હતાં.
ફેઝલ નીચે પડી જતાં ઉશ્કેરાયેલા નઈમે તેની પર બેસીને ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યાર બાદ ફૈઝલને પાલડી ખાતેની એક હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેને પગમાં ફ્રેક્ચર હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. ફ્રેક્ચરનું ઓપરેશન કરાવીને જ્યારે હોસ્પિટલમાંથી તેને રજા મળી ત્યારે તેણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નઈમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફૈઝલની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે