Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો દુનિયાભરમાં કેવી રીતે ઉજવાય છે નાતાલ

ધર્મની સીમાઓને ઓળંગી ગયેલો સર્વવ્યાપી ઉત્સવ

Webdunia
शनिवार, 24 दिसंबर 2016 (11:29 IST)
નાતાલની દુનિયાભરમાં જબરજસ્ત ઉજવણી થાય છે. દુનિયામાં સૌથી વધુ મોટી સંખ્યા ખ્રિસ્તીઓની હોવાથી તથા તેઓ આ તહેવાર એકદમ ગંજાવર સ્તરે મનાવતા હોવાથી નાતાલ દેશ, ભાષા, ધર્મની સીમાઓને ઓળંગી એક સર્વવ્યાપી સામાન્ય ઉત્સવ બની ગયો છે. ભારત સહિતના કેટલાક દેશોમાં નાતાલને પરદેશી ઉત્સવ ગણાવી એની ઉજવણીનો આછોપાતળો વિરોધ પણ થતો હોય છે. જો કે, આજે દુનિયા આખી એક નાનું ગામડું બની ગઈ છે તથા એમાં વસનારા સૌ કોઈ માધ્યમોના અગણિત વિકલ્પો થકી એકમેકની સાવ અડોઅડ બેસી ગયા છે ત્યારે તેઓ એક વ્યાપક ઉત્સવના ધબકાર ન ઝીલે એ શક્ય જ નથી. બાહ્ય પરિબળો ઉપરાંત પણ ઉજવણી માટેનું કોઈ પણ બહાનું - કારણ પકડી લેવાનું માણસને ગમતું હોય છે.

રસપ્રદ હકીકત એ છે કે ઈસુ ખ્રિસ્તના પૃથ્વી પર આગમન પૂર્વે પણ લોકો શિયાળો એના સૌથી વધુ ઠંડા સ્તરે પહોંચે ત્યારે રજા - છુટ્ટી - ઉજવણીની મજા માણતા હતા. સ્કેન્ડિનેવિયાના નોર્સ લોકો ૨૧મી ડિસેમ્બરથી જાન્યુઆરીના અંત સુધી લાંબા થતા જતા દિવસ અને વધતા જતા સૂર્યપ્રકાશને વધાવતા. ડિસેમ્બરનો અંત ભાગ લગભગ આખા યુરોપમાં ઉજવણી માટેનો શ્રેષ્ઠ સમય હતો. એ વખતે ઘણાં પ્રાણીઓની કતલ થતી, જેથી એમને શિયાળામાં ખવડાવવું ન પડે. વર્ષમાં એ સમયે જ સૌને તાજું માસ મળતું. શરાબ અને બિયર પણ ત્યારે તૈયાર થઈ જતો.

જર્મનીમાં શિયાળાની અધવચ્ચે લોકો ભગવાન ઓડેનને પૂજતા. આ દિવસોમાં આકાશમાં વિહરતા ઓડેનની ખફા નજરથી બચવા તેઓ વધુ સમય ઘરમાં રહેવું પસંદ કરતા. રોમમાં કૃષિના દેવ સેટર્નના માનમાં સેટર્નેલીઆની રજા મનાવાતી. એ એક મહિનામાં ગુલામો માલિક બનતા તથા ધંધા અને શાળાઓ બંધ રહેતાં, જેથી સૌ ઉજવણીમાં જોડાઈ શકે.

આકરા શિયાળાના દિવસોમાં રોમનો જુવેનાલીઆ પણ ઉજવતા, જેમાં રોમનાં સંતાનો - ભૂમિપુત્રોનું બહુમાન થતું. ભદ્ર વર્ગના લોકો વધારામાં મિથ્રાનો જન્મદિન પણ ઉજવતા. અપરાજેય સૂર્ય ભગવાનના માનમાં એ પચીસમી ડિસેમ્બરે ઉજવણી થતી.

ખ્રિસ્તી ધર્મનાં આરંભિક વર્ષોમાં ઈસ્ટર મુખ્ય રજાનો, ઉજવણીનો દિવસ હતો. ઈસુનો જન્મદિન ત્યારે ઉજવાતો નહોતો. ચોથી સદીમાં ચર્ચ સત્તાવાળાઓએ ઈસુના જન્મદિને રજા તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો. લોકપ્રિય સેટર્નેલીઆ ઉત્સવની પરંપરા સાથે ઉજવણી બરાબર બંધબેસતી થાય એ માટે ચર્ચના સર્વેસર્વાઓએ ઈસુનો જન્મદિન પચીસમી ડિસેમ્બરે જ મનાવવાનું ઠરાવ્યું. જો કે એની ઉજવણી કેવી રીતે કરવી એની પર તેઓ અંકુશ ન રાખી શકયા. મધ્યયુગમાં આસ્તિકો નાતાલ પર પહેલા ચર્ચમાં પ્રાર્થનામાં ભાગ તો લેતા, પણ પછી દારૂ અને વિવિધ વાનગીની ખૂબ જ તોફાની પાર્ટી રાતભર ચાલતી. વધુમાં ભિખારી કે વિદ્યાર્થીને ‘ગેરશાસનના ભગવાન’ બનાવાતો. ગરીબો શ્રીમંતોના ઘેરે જઈ શ્રેષ્ઠ ખોરાક અને શરાબ માગતા. ૧૭મી સદીમાં યુરોપમાં ધાર્મિક સુધારાના વાયરાએ નાતાલની ઉજવણીની તરાહ બદલી નાખી. ૧૬૪૫માં ઓલિવર ક્રોમવેલ અને બીજા કટ્ટર ખ્રિસ્તીએ નાતાલની ઉજવણી રદ કરી. એ પછી લોકોની જોરદાર માગણીને કારણે ચાર્લ્સ બીજાને તખ્ત પર પાછા બેસાડાયા અને લોકપ્રિય રજા પાછી શરૂ થઈ.

ઈંગ્લેન્ડથી ૧૬૨૦માં અમેરિકા ગયેલાઓ તો એટલા રૂઢિચુસ્ત હતા કે આરંભનાં વર્ષોમાં ત્યાં નાતાલની રજા પણ નહોતી. બોસ્ટનમાં તો ૧૬૫૯થી ૧૬૮૧ સુધી નાતાલની ઉજવણી ગેરકાયદે જાહેર થયેલી. જોકે જેમ્સ ટાઉન સેટલમેન્ટમાં નાતાલની ઉજવણી ઉમંગથી અને અવરોધ વગર થતી હતી. અમેરિકાની ક્રાંતિ પછી નાતાલ સહિત ઈંગ્લેન્ડની પરંપરાઓ બાજુ પર ફેંકાઈ ગઈ હતી. પછી તો નાતાલની દેશવ્યાપી રજા છેક ૧૮૭૦માં જાહેર થઈ હતી. ૧૯મી સદી સુધી અમેરિકાવાસીઓએ નાતાલને અપનાવી નહોતી. ૧૯મી સદીના બીજા-ત્રીજા દાયકામાં અંગ્રેજ લેખક ચાર્લ્સ ડિક્ધસે ‘ક્રિસમસ કેરોલ’ નામે ચિરંજીવ કથા શ્રેણી લખી. એમાં દાનનો મહિમા ગવાયો તથા સમગ્ર માનવજાત માટેની સદ્ભાવના પર ખાસ ભાર મુકાયો, એની ઈંગ્લેન્ડમાં અને અમેરિકામાં વ્યાપક અસર પડી, સૌને નાતાલની ઉજવણીના લાભ દેખાયા. એથી કુટુંબભાવના પણ દૃઢ થઈ. સંતાનોને ફટવ્યા વગર જોઈતી ભેટ આપી એમને ખુશ કરવાની પ્રથા પડી. ધીમે ધીમે નાતાલનો ઉત્તમ અને ઉપયોગી રજા તરીકે સર્વત્ર સ્વીકાર થયો.

પછીનાં ૧૦૦ વર્ષમાં નવાં ભવ્ય ચર્ચો બંધાયા. અમેરિકામાં નાતાલની પોતીકી પરંપરાઓ ઊભી થઈ, દૃઢ થઈ. એમાં ઘણી જૂની-નવી પરંપરાઓનું મિશ્રણ હતું. એમાં ન ઘર-કામકાજના સ્થળે શણગારેલું નાતાલવૃક્ષ મૂકવાનો, નાતાલની શુભેચ્છાના પત્રો-કાર્ડ મોકલવાનો અને એકમેકને સુંદર ભેટ આપવાનો સમાવેશ થતો હતો.

એકલા અમેરિકામાં જ નાતાલ વખતે ત્રણથી પાંચ કરોડ સાચાં નાતાલવૃક્ષ વેચાય છે. અમેરિકામાં નાતાલવૃક્ષ ઉગાડનારી ૨૧,૦૦૦ વ્યક્તિ-સંસ્થા છે. આ વૃક્ષ વેચાય એના ૧૫ વર્ષ પહેલા એ રોપાયું હોય છે. ગ્રીસ અને રશિયાનાં ઑર્થોડોક્સ ચર્ચો આજે પચીસમી ડિસેમ્બરથી ૧૩ દિવસ માટે નાતાલ ઉજવે છે. નાતાલ ‘એપિફની’ કે ‘ટ્રી કિંગ્સ ડે’ પણ કહેવાય છે.

સાલ્વેશન આર્મી સાન્ટા કલોઝના વેશમાં સ્વયંસેવકોને ફાળો ઉઘરાવવા શેરીમાં મોકલે છે, આ પ્રથા એણે ૧૮૯૦થી શરૂ કરી હતી.

સૌથી વધુ પ્રખ્યાત રેઈનડીઅર રુડોલ્ફ રોબર્ટ એલ. મેની ૧૯૩૯ની કલ્પનાનું પરિણામ હતું. મોન્ટગોમેરી વોર્ડ ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં લોકોને આકર્ષવા જાહેરખબર લખનારાએ એ અંગે કવિતા પણ લખી હતી. આજે તો નાતાલ વિશ્ર્વભરમાં કરોડો ડોલરની ઉથલપાથલ કરતો એક સૌથી વધુ મહત્ત્વનો વ્યાપારી ઉત્સવ પણ બની ગયો છે. લોકોના ઉત્સાહ-ઉમંગ ટોચ પર પહોંચે છે. વ્યાવસાયિક - કૌટુંબિક સંબંધોને પણ ઠીક ઠીક પોષણ મળી રહે છે. માણસને વ્યક્તિગત અને સામૂહિક ઉજવણી ગમે છે.

પરમશક્તિની વંદના કરવા કે એની કૃદ્ધ દૃષ્ટિથી બચવા શરૂ થયેલા ધામિક ઉત્સવો વ્યાપક સમાજ સાથે જોડાઈ ક્રમશ: દૃઢ અને વૈવિધ્યસભર પરંપરા બની રહ્યા છે. માણસને આંતરિક-બાહ્ય લાભ મળે, કશું નક્કર ધર્માચરણ કર્યાનો આનંદ મળે અને સંતોષ સાથે જીવન આગળ વધારવાનું ભાથું મળે એ જ તમામ ધાર્મિક-સામાજિક ઉત્સવોનું કદાચ મૂળ લક્ષ્ય હોય છે.
આગળનો લેખ
Show comments