મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર બનશે કે નહીં તેના પર હજી સસ્પેન્સ યથાવત છે.
ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચેની મુલાકાત પૂરી થઈ ગઈ છે અને શિવસેના રાજ્યપાલ સાથે સાંજે 5 વાગે મુલાકાત કરશે.
આ અગાઉ કૉંગ્રેસ પાર્ટીની બેઠક થશે જેમાં વર્તમાન સ્થિતિ અંગે સોનિયા ગાંધી સાથે વાત થવાની છે.
કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને આ મામલે કૉંગ્રેસે હજી કોઈ નિર્ણય લીધો નથી.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ મામલે મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતાઓ સાથે વાત કરીને જ કોઈ નિર્ણય લેવામાં આવશે.
કૉંગ્રેસની જેમ જ એનસીપીએ પણ ફેંસલો ટાળી દીધો છે. એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે તેમણે કૉંગ્રેસ સાથે ચૂંટણી લડી હતી અને નિર્ણય કૉંગ્રેસ સાથે વાત કરીને જ લેવામાં આવશે.
કૉંગ્રેસની બેઠક ફરી સાંજે 4:30 વાગ્યે થશે, રાજ્યપાલે સરકાર બનાવવા માટે સાંજના 7:30 વાગ્યા સુધીનો સમય આપ્યો છે.
આ પહેલાં શિવસેનાના સાંસદ અને મોદી સરકારની કૅબિનેટમાં મંત્રી અરવિંદ સાવંતે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
ભાજપને ઘમંડ છે : સંજય રાઉત
સંજય રાઉતે કહ્યું કે ભાજપના ઘમંડને કારણે મહારાષ્ટ્રમાં સરકાર બની રહી નથી. આ મહારાષ્ટ્રના લોકોનું અપમાન છે.
તેમણે કહ્યું, "રાજ્યપાલે જો અમને વધારે સમય આપ્યો હોત તો સરકાર બનાવવી સહેલી થઈ જાત. ભાજપને 72 કલકનો સમય આપવામાં આવ્યો હતો. અમને ઓછો સમય આપવામાં આવ્યો છે."
"મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભાજપની આ વ્યૂહરચના છે."
બીજી તરફ ભાજપના નેતાઓ દેવેન્દ્ર ફડણવીસના ઘરે આ મામલે બેઠક કરવા માટે એકઠા થઈ રહ્યા છે.
સંજય રાઉતે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે શિવસેના સાથે જે વાત થઈ હતી તે ભાજપ માનવા માટે તૈયાર નથી.
તેમણે કહ્યું, "રાજ્યપાલને ભાજપે કહી દીધું કે સરકાર નહીં બનાવી શકીએ પરંતુ અમને પૂછ્યું પણ નહીં. ભાજપ સાથેના સંબંધોમાં હવે માત્ર ઔપચારિકતા રહી ગઈ છે."
"મને વિશ્વાસ છે કે અમે રાજ્યને એક સ્થિર સરકાર આપીશું. શરદ પવાર અને કૉંગ્રેસના નેતાઓની ભૂમિકા છે કે અમે સાથે આવીને સરકાર બનાવીએ."
સંજય રાઉતે કહ્યું કે ભાજપ મહેબૂબા મુફ્તી સાથે મળીને સરકાર બનાવી શકે છે તો શિવસેના કૉંગ્રેસ-એનસીપી સાથે મળીને કેમ નહીં.
તેમણે કહ્યું કે શિવસેના કૉંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવે તો એમાં શું વાંધો છે. ભાજપ પોતાના વાયદાઓથી ફરી રહી છે તો ગઠબંધન રાખવાનો કોઈ અર્થ નથી.
આ તરફ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારને આ મામલે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ તેમનો મામલો છે, એ લોકો જાણે, અમને તેનાથી શું મતલબ?