નેપાળની સંસદના નીચલા ગૃહે બંધારણમાં સુધારાની સિફારસ સર્વસંમતિથી સ્વીકારી છે.
નેપાળના નવા રાજકીય નકશા અને નવા રાષ્ટ્રીય ચિહ્ન અંગે સુધારાની દરખાસ્ત કે. પી. શર્મા ઓલી સરકાર દ્વારા કરાઈ હતી.
આ નકશા અને નકશા સાથેના રાષ્ટ્રીય ચિહ્લમાં લિપુલેખ, કાલાપાણી અને લિમ્પિયાધુરાને 1816ની સુગૌલી સંધિ પ્રમાણે નેપાળ રાજ્યક્ષેત્રમાં દેખાડવામાં આવશે.
નેપાળના આ દાવાને ભારત નકારતું રહ્યું છે.
નેપાળની સંસદમાં મંગળવારે આ અંગે ચર્ચા થઈ અને બંધારણમાં સુધારાને મંજૂરી આપવામાં આવી.
લિપુલેખ-લિમ્પિયાધુરા
બંધારણમાં સંશોધન મામલે સદનમાં મંગળવારે મોડી સાંજ સુધી ચર્ચા થઈ. પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ સંસદસભ્યે ઘણા વખત સુધી તાળી પાડી હતી.
આ બંધારણ સુધારા વિધેયકને રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીની સંમતિ માટે મોકલવામાં આવશે, તેમના હસ્તાક્ષર બાદ તે કાયદો બનશે.
એક તરફ જ્યાં સદનમાં નવા નકશા અને ચિહ્ન અંગે વિચારવિમર્શ થયો, ત્યાં બીજી તરફ નેપાળના વિદેશમંત્રી પ્રદીપ જ્ઞાવલીએ આ મુદ્દે ભારતના વલણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
લિપુલેખ અને લિમ્પિયાધુરાને લઈને ભારત અને નેપાળ વચ્ચે ગતિરોધ છે.