છત્તીસગઢના દાંતેવાડામાં મંગળવારે ભાજપના ધારાસભ્ય ભીમા માંડવીના કાફલા પર હુમલો થયો છે. આ હુમલામાં ધારાસભ્ય સહિત પાંચ લોકોનાં મોત થયાં છે. દાંતેવાડા જિલ્લાના નકુલનાર પાસે આ હુમલો થયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે આ આઈઈડી બ્લાસ્ટ હતો. નક્સલીઓએ ભાજપના ધારાસભ્યના કાફલા પર કુકોનટા અને શ્યામગિરિ વચ્ચે હુમલો કર્યો હતો. જેમાં ભાજપના ધારાસભ્યના કાફલામાં આગળ રહેલી પોલીસની ગાડીને બ્લાસ્ટથી ઉડાવી દીધી હતી.
હુમલો થયો બાદ સીઆરપીએફની ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી. છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં કુલ 12 ધારાસભ્યો છે. જેમાં 11 કૉંગ્રેસના ધારાસભ્યો છે અને માંડવી એકમાત્ર ભાજપના ધારાસભ્ય હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે એવું માનવામાં આવી રહ્યું છે કે આ કાફલાને જ નિશાન બનાવવા માટે નક્સલીઓ આ વિસ્તારમાં છુપાયા હતા.
આ પહેલાં દૂરદર્શનના કૅમેરામેન અને બે પોલીસકર્મીઓ નક્સલી હુમલામાં માર્યા ગયા હતા. એ પછીનો આ મોટો નકસલી હુમલો છે. દાંતેવાડામાં લોકસભા ચૂંટણી માટે 11 એપ્રિલના રોજ મતદાન થવાનું છે.
એન્ટિ-નકસલ ઑપરેશનના વડા ડીઆઈજી પી. સુંદર રાજે સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું કે આજે સાંજે ધારાસભ્ય ભીમા માંડવી, એમના ડ્રાઇવર અને ત્રણ સુરક્ષાકર્મીઓ આઈઈડી બ્લાસ્ટમાં માર્યા ગયા છે. આ એક શક્તિશાળી આઈઈડી હુમલો હતો.
હુમલા અંગે દાંતેવાડાના એસ.પી. અભિષેક પલ્લ્વે કહ્યું કે પોલીસે ભીમા માંડવીને એ વિસ્તારમાં નહીં જવાની સલાહ આપી હતી. હુમલા બાદ બેઉ તરફ અડધો કલાક ગોળીબારી પણ થઈ હતી. ધારાસભ્યની કારની પાછળ અન્ય એક કાર પણ હતી જેમાં પાંચ સુરક્ષાકર્મીઓ હતા, એમની શોધખોળ હજી ચાલુ છે.
આ હુમલાને પગલે છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બધેલે ઉચ્ચસ્તરીય ઇમરજન્સી બેઠક બોલવી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલાને વખોડી કાઢતું અને ભોગ બનનાર જવાનોને શોકાંજલિ આપતું ટ્ટીટ કર્યું છે જેમાં તેમણે કહ્યું કે જવાનોનું બલિદાન એળે નહીં જાય
નકસલી હુમલામાં માર્યા ગયેલા ભાજપના ધારાસભ્ય ભીમા માંડવીને નરેન્દ્ર મોદીએ પક્ષના પ્રતિબદ્ધ કાર્યકર્તા ગણાવ્યા છે અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી છે.
કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ દાંતેવાડામાં નકસલી હુમલાની ટીકા કરી મૃત્યુ પામનારા લોકોના પરિવારોને શક્તિ અને હિંમતની પ્રાર્થના કરતું ટ્ટીટ કર્યું છે.