Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

માતા બનીને માનવતાનો ધર્મ નિભાવ્યો

માતા બનીને માનવતાનો ધર્મ નિભાવ્યો

દેવાંગ મેવાડા

PRP.R
વડોદરાની સયાજી હોસ્પિટલના નાનકડા પિડીયાટ્રિક વિભાગમાં ફરજ બજાવતી પરિચારીકાએ પોતાના અનોખા કાર્યથી રાષ્ટ્રપતિનુ ધ્યાન પણ પોતાની તરફ આકર્ષિત કર્યુ હતુ. માતાથી વિખુટા પડેલા ચાર માસના બાળકને સ્તનપાન કરાવીને માનવતાના મહાન ધર્મનુ પાલન કરનાર સયાજી હોસ્પિટલની પરિચારિકાને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વડોદરાના સયાજી હોસ્પિટલમાં પરિચારીકા તરીકેની ફરજ બજાવતાં રેખાબહેન ચૌધરીને 12મી મે 2008ના રોજ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના હસ્તે નાઈટીનબેલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાસ્થયમંત્રી અંબુમણી રામદોસ અને સ્વાસ્થય સેક્રેટરી પાનાબાકા લક્ષ્મીજીન ઉપસ્થિતીમાં યોજાયેલા એક સમારોહમાં તેમને રૂપિયા પચાસ હજારનો ચેક, મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

પરિચારિકાના કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને માનવતાને પરમોધર્મ માનતા રેખાબહેનને એક વિશેષ કાર્યના લીધે આ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. વર્ષ 2006માં ચોમાસાની ઋતુ દરમિયાન વડોદરા શહેર નજીકથી પસાર થતી મહિસાગર નદીમાં લગભગ સાડા અગિયાર લાખ ક્યુસેક્સ પાણી છોડવામાં આવ્યુ હતુ. જેને કારણે પાદરા તાલુકાના ડબકા ગામ પાસે આવેલા તળિયાભાઠામાં રહેતા 142 જણાં મુશ્કેલીમાં મુકાયા હતા. મહિનદીની મધ્યમાં આવેલા તળિયાભાઠાની ચારેકોરથી પાણીનો જોરદાર પ્રવાહ વહી રહ્યો હતો. મહિસાગરની સપાટી વધતાં તેના પાણી તળિયાભાઠામાં પ્રવેશી ગયા હતા. લોકો પોતાનો જીવ બચાવવા માટે ઝાડ ઉપર ચડી ગયા હતા. બાળકો, વૃદ્ધો અને મહિલાઓ સહિત કુલ 142 લોકોના માથે મોત ભમી રહ્યુ હતુ.

લગભગ એકાદ દિવસ ઝાડ પર વિતાવ્યા બાદ તેઓને બચાવવા માટે સેના દ્વારા હેલિકોપ્ટર મોકલવામાં આવ્યુ હતુ. આ સમયે ચાર મહિનાના બાળક રાકેશ ઝાલાને સાથે લઈને તેના મામા હેલિકોપ્ટરમાં ચડી ગયા હતા. માસુમ બાળક રાકેશની માતા અન્ય વૃક્ષ ઉપર બેઠેલી હોઈ તે હેલિકોપ્ટરમાં જઈ શકી ન હતી. વાયુસેનાના હેલિકોપ્ટરમાં વડોદરા ઉતર્યા બાદ બાળકને સારવાર માટે અત્રેની સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. બે દિવસથી વરસતાં વરસાદમાં પલળતાં અને માતાના વિખુટા પડ્યા બાદ ભુખ્યા થયેલા રાકેશનુ રુદન રોકાતુ ન હતુ.

માના ધાવણ વિના ટળવળતાં માસુમ બાળકની ચીચીયારીઓ સાંભળીને પરિચારિકા રેખા ચૌધરી દોડી આવ્યા. તેમણે બાળકને પોતાના ખોળામાં લીધુ અને તેને શાંત કરવાના પ્રયત્નો શરૂ કર્યા. પરંતુ માસુમ બાળકનુ રડવાનુ બંધ ન થયુ. અનેક બાળકોને ખોળામાં રમાડનાર રેખાબહેન તેઓના રુદનના અવાજની ભાષા જાણતા હતા. આ માસુમ બાળકના રડવાનુ કારણ ભૂખ હતુ અને તે પરિચારિકા રેખાબહેન બાખુબી જાણી ગયા. અંતે તેના મામાની પરવાનગી લઈને તેમણે માસુમ બાળક રાકેશને પોતાનુ સ્તનપાન કરાવ્યુ. બે દિવસથી ભૂખ્યા બાળકને ક્યાં ખબર હતી કે, તેની ભૂખ સંતોષનારી મહિલા તેની માતા નથી.

પરિચારિકા રેખાબહેનને પણ આ બાળક સાથે અજીબ લગાવ થઈ ગયો હતો. ડ્યુટી પુરી થયા બાદ ઘરે પહોંચીને પણ આ બાળકનો ચહેરો તેમને યાદ આવતો હતો. અંતે તેમણે પોતાના બાળકના કપડાં લીધા અને વરસતા વરસાદમાં ફરી એકવાર દવાખાને જઈ ચડ્યા. દવાખાને પહોંચ્યા બાદ તેમણે તે બાળકને નવા કપડાં પહેરાવીને ફરી એકવાર દૂધ પિવરાવી એક સગી માતા જેટલો વ્હાલ કર્યો. એક માસુમ બાળકને દૂધ પિવરાવીને માનવતાની મિસાલ ઉભી કરનાર રેખાબહેનના કાર્યથી પ્રભાવિત થઈને રાજ્ય સરકાર દ્વારા તેમનુ નામ રાષ્ટ્રપતિ એવોર્ડ માટે રજુ કરાયુ હતુ. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ગુજરાતમાંથી માત્ર તેમને જ એવોર્ડ આપવામાં આવ્યો હતો. પોતાના અનોખા કાર્યથી સયાજી હોસ્પિટલનુ નામ રોશન કરનાર રેખાબહેન ખરેખર પ્રશંસાને પાત્ર છે.

Share this Story:

Follow Webdunia gujarati